દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પ્રચંડ બહુમતી મળી છે. દિલ્હીની ૭૦ બેઠકોમાંથી ભાજપનો ૪૮ સીટો પર વિજય થયો છે. જ્યારે આપને ફક્ત ૨૨ બેઠકો મળી છે. કોંગ્રેસને એકપણ સીટ મળી નથી. ભાજપનો દિલ્હીમાં ૨૭ વર્ષનો વનવાસ ખતમ થયો છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ ના પરિણામો સામે આવી ગયા છે. દિલ્હીમાં ભાજપને પ્રચંડ બહુમતી મળી છે અને આમ આદમી પાર્ટીનો કારમો પરાજય થયો છે. દિલ્હીની ૭૦ બેઠકોમાંથી ભાજપનો ૪૮ સીટો પર વિજય થયો છે. જ્યારે આપને ફક્ત ૨૨ બેઠકો મળી છે. કોંગ્રેસને એકપણ સીટ મળી નથી. ભાજપનો દિલ્હીમાં ૨૭ વર્ષનો વનવાસ ખતમ થયો છે.
દિલ્હીની ચૂંટણી મોટા ઉલટફેર થતા આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા અરવિંદ કેજરીવાલ, મનિષ સિસોદિયા, સૌરભ ભારદ્વાજ, સોમનાથ ભારતી, સત્યેન્દ્ર જૈનનો પરાજય થયો છે. નવી દિલ્હી વિધાનસભા સીટ પર અરવિંદ કેજરીવાલને ભાજપના પ્રવેશ વર્માઅ હરાવ્યા હતા. આ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર સંદીપ દીક્ષિત હતા. આપના એક માત્ર મોટા નેતા મુખ્યમંત્રી આતિશી સીટ જીતવા સફળ રહ્યા છે.
ભાજપ હેડક્વાર્ટરમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા, આ દરમિયાન તેમણે વડાપ્રધાન મોદીને જીતનો શ્રેય આપ્યો. સાથે જ દિલ્હીની જનતાનો આભાર વ્યક્ત કર્યો. સાથે જ કહ્યું કે, અમારા કાર્યકર્તાઓએ ખુબ મહેનત કરી. જેને લઈને અમે ઇતિહાસ રચી દીધો છે, સાથે જ કહ્યું કે, જનતાએ પહેલા લોકસભા ચૂંટણીમાં સાત બેઠકો પર જીત અપાવી. ત્યારબાદ વિધાનસભા ચૂંટણીમાં ૪૮ બેઠકો અમને જીતાડી દીધી. તેનાથી સ્પષ્ટ થાય છે કે દિલ્હીના દિલમાં વડાપ્રધાન મોદી વસે છે.
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનની શરૂઆત ભારત માતા કી જય, યમુના મૈયા કી જય સાથે કરી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘આજે દિલ્હીના લોકોમાં ઉત્સાહ અને શાંતિ છે. દિલ્હી આપ-દા મુક્ત બની ગઈ છે. મેં દિલ્હીના લોકોને વિનંતી કરી હતી કે તેઓ ભાજપને સેવા કરવાની તક આપે. મોદીની ગેરંટી પર વિશ્વાસ કરવા બદલ હું શીશ નમાવું છું અને દિલ્હીના દરેક પરિવારને સલામ કરું છું. દિલ્હીએ અમને ખુલ્લેઆમ પ્રેમ આપ્યો છે. અમે ઝડપી વિકાસ લાવીને દિલ્હીવાસીઓનું ઋણ ચૂકવીશું.’
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘મેં દરેક દિલ્હીવાસીને એક પત્ર મોકલ્યો હતો અને તમે બધાએ આ પત્ર દરેક પરિવાર સુધી પહોંચાડ્યો હતો. મેં દિલ્હીને પ્રાર્થના કરી હતી કે ભાજપને ૨૧મી સદીમાં સેવા કરવાની તક આપે, ભાજપને દિલ્હીને વિકસિત ભારતની વિકસિત રાજધાની બનાવવાની તક આપે. મોદીની ગેરંટી પર વિશ્વાસ કરવા બદલ હું દિલ્હીના દરેક પરિવારને નમન કરું છું.”