બોમ્બે હાઈકોર્ટે સોમવારે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહની અરજીની સુનાવણી કરીને ગૃહપ્રધાન અનિલ દેશમુખ સામે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો. પગ નીચે રેલો આવતા દેશમુખે સીએમ ઉદ્ધવ ઠાકરેને તેમનું રાજીનામું આપ્યું હતું. ઠાકરેએ રાજીનામું સ્વીકારી લીધું હતું અને દિલીપ પાટિલને ગૃહમંત્રાલયની વધારાની જવાબદારી સોંપી હતી. એનસીપી નેતા શરદ પવાર અને ડેપ્યુટી સીએમ અજિત પવાર વચ્ચે પણ બેઠક યોજાઈ હતી. બીજી તરફ સીબીઆઈની ટીમ મંગળવારે મુંબઈ પહોંચીને પ્રાથમિકી દાખલ કરીને તપાસ હાથ ધરશે.
મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહ દ્વારા દેશમુખ પર સસ્પેન્ડેડ પોલીસ અધિકારી વઝે સહિત અન્ય અધિકારીઓને દર મહિને રૂ. ૧૦૦ કરોડની પૈસા વસૂલીના આદેશો આપવામાં આવ્યા હોવાનો પત્રમાં આક્ષેપ કરાયો હતો. આને કારણે મહારાષ્ટ્રનાં રાજકારણમાં મોટી હલચલ મચી ગઈ હતી. દેશમુખનાં રાજીનામાની તત્કાળ માગણી કરાઈ હતી. જો કે એનસીપી નેતા શરદ પવાર તેમજ અન્યો દ્વારા દેશમુખનો તે વખતે બચાવ કરવામાં આવતા તેમની ખુરશી બચી ગઈ હતી.
નૈતિકતાનાં ધોરણે રાજીનામું આપ્યું : દેશમુખ
દેશમુખે ઉદ્ધવને સંબોધીને લખ્યું હતું કે, માનનીય હાઈકોર્ટ દ્વારા CBI તપાસના આદેશો આપવામાં આવ્યા છે આથી નૈતિકતાના આધારે હું હોદ્દા પરથી રાજીનામું આપું છું. મને ગૃહ પ્રધાનપદેથી મુક્ત કરવા મારી આપને નમ્ર અરજ છે.
કોર્ટે FIR વિના તપાસ કરવા CBIને છૂટ આપી
બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ગિરીશ કુલકર્ણીની બેન્ચે કહ્યું હતું કે આ આખો કેસ FIRની આસપાસ ઘુમરાઈ રહ્યો છે. જયશ્રી પાટિલ દ્વારા આ કેસમાં પોલીસ સ્ટેશનમાં FIR કરવા પ્રયાસો કરાયા હતા પણ તેમની FIR નોંધવામાં આવી નથી. આ એક અભૂતપૂર્વ કેસ હોવાથી તેની સ્વતંત્ર તપાસ જરૂરી છે આથી CBI આ કેસની FIR વિના તપાસ કરે અને ૧૫ દિવસમાં તેનો પ્રાથમિક તપાસ રિપોર્ટ રજૂ કરે.ઔપૈસા વસૂલીના આરોપોની CBI તપાસનો બોમ્બે હાઈકોર્ટનો આદેશ
બોમ્બે હાઈકોર્ટે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહ તેમજ અન્યોની અરજીને ધ્યાનમાં લઈને દેશમુખ સામે પૈસા વસૂલીના આરોપોની CBI તપાસના આદેશો આપ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે દેશમુખ સામેના આક્ષેપો સામાન્ય નથી. રાજ્યના ગૃહપ્રધાન પર તે કરાયા છે. આથી પોલીસ તેની નિષ્પક્ષ તપાસ કરવાની સ્થિતિમાં નથી. પરમબીરસિંહે તેમના પત્રમાં આક્ષેપો કર્યા હતા કે ગૃહપ્રધાન દેશમુખ દ્વારા સસ્પેન્ડેડ API સચિન વઝેને દર મહિને રૂ. ૧૦૦ કરોડની પૈસા વસૂલીનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો.
કોર્ટે આ કેસમાં જયશ્રી પાટિલને ફટકાર લગાવી
કોર્ટે આ કેસમાં એડવોકેટ જયશ્રી પાટિલને ફટકાર લગાવી હતી. સસ્તી પલ્બિસિટી માટે અરજી કર્યાનો આક્ષેપ કરાયો હતો. કોર્ટે કહ્યું કે અરજીમાં તમે ડ્રાફ્ટ કર્યો હોય તેવો એકપણ પેરેગ્રાફ બતાવો. તમારી આખી અરજી પરમબીરસિંહના પત્ર અને આક્ષેપો આધારિત છે.
પરમબીરસિંહને કોર્ટની ફટકાર
કોર્ટે પરમબીરસિંહને ઝાટકી નાંખતા કહ્યું કે તમે એક જવાબદાર પોલીસ અધિકારી છો. તમારા બોસ દ્વારા અપરાધ કરાતો હતો છતાં તમે ચૂપ રહ્યા. ખોટા કામ માટે તમારે ફરિયાદ કરવાની જરૂર હતી. તમે પોલીસમાં ગૃહપ્રધાન સામે ફરિયાદ કેમ ન કરી? ફરિયાદ દાખલ ન થાય તો મેજિસ્ટ્રેટ પાસે કેમ ન ગયા? તમે હાઈકોર્ટને મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફેરવી શકો નહીં.
દિલીપ વલસે પાટિલ નવા ગૃહમંત્રી?
દેશમુખનાં રાજીનામા પછી પવારના પીએ રહી ચૂકેલા દિલીપ વલસે પાટિલને નવા ગૃહમંત્રી બનાવવામાં આવે તેવી શક્યતા છે. તેઓ ૧૯૯૦માં અંબેગાંવથી મહારાષ્ટ્રમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ મેડિકલ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ તેમજ ટેકનિકલ શિક્ષણપ્રધાન તરીકે તેમજ ઊર્જાપ્રધાન તરીકે કામ કરી ચૂક્યા છે. તેઓ પૂણે જિલ્લા કેન્દ્રીય સહકારી બેન્કના ડિરેકટર રહી ચૂક્યા છે. ભીમાશંકર કોઓ સુગર ફેકટરીનાં સંસ્થાપક અધ્યક્ષ રહી ચૂક્યા છે.