ભારતીય ક્રિકેટ ટીમે ત્રીજી વનડેમાં ઇંગ્લેન્ડને ૩૫૭ રનનો ટાર્ગેટ આપ્યો છે. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે ૫૦ ઓવરમાં ૩૫૬ રન બનાવ્યા હતા. ભારત તરફથી શુભમન ગિલે શાનદાર પ્રદર્શન કરતા સદી ફટકારી હતી. શુભમન ગિલે ૧૦૨ બોલમાં ૧૧૨ રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં ૧૪ ચોગ્ગા અને ૩ છગ્ગા ફટકાર્યા હતા. આ ઉપરાંત શ્રેયસ ઐયરે ૬૪ બોલમાં ૭૮ રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં ૮ ચોગ્ગા અને ૨ છગ્ગા ફટકાર્યા. ઘણાં સમયથી ફોર્મથી બહાર ચાલી રહેલા વિરાટ કોહલીએ ૫૫ બોલમાં ૫૨ રનની સારી ઇનિંગ રમી હતી.
ઇંગ્લેન્ડના લેગ સ્પીનર આદિલ રાશિદે ભારતની ૪ વિકેટ ઝડપી હતી. રાશિદે ૧૦ ઓવરમાં ૬૪ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી. આ સિવાય માર્ક વુડે બે વિકેટ ઝડપી હતી. જ્યારે સાકિબ મહમુદ, ગસ એટકિન્સન અને જો રૂટને એક-એક સફળતા મળી હતી.
ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરુઆત સારી રહી હતી. જો કે, કેપ્ટન રોહિત શર્મા માત્ર બે બોલ રમીને એક બોલમાં આઉટ થઇ ગયો હતો. ત્યાર બાદ શુભમન ગિલ અને વિરાટ કોહલીએ ઇનિંગને સંભાળતા મહત્ત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. બંને ખેલાડીઓએ બીજી વિકેટ માટે ૧૦૭ બોલમાં ૧૧૬ રન કર્યા હતા. ત્યારબાદ ગિલ અને શ્રેયસ અય્યર વચ્ચે ૯૩ બોલમાં ૧૦૪ ની ભાગીદારી થઇ હતી. કેએલ રાહુલે ૨૯ બોલમાં ૪૦ રન બનાવ્યા હતા. ભારતીય ટીમ ૫૦ ઓવરમાં ૩૫૬ રન બનાવવામાં સફળ રહી હતી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ઇંગ્લેન્ડની ટીમનું ક્લીન સ્વીપ થાય છે નહી? હાલ ભારત સીરિઝમાં ૨-૦ થી આગળ છે.