પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને માર્સિલેમાં વાતચીત દરમિયાન દ્વિપક્ષીય સંબંધો અને વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરી. યુએનએસસીમાં ભારતની કાયમી સદસ્યતા માટે ફ્રાન્સનાં દ્રઢ સમર્થનની પુનઃપુષ્ટિ કરી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને બુધવારે બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણના સંબંધોને વેગ આપવા હાકલ કરી છે. બંને નેતાઓએ ઈન્ડો-પેસિફિક પ્રદેશ અને વિવિધ વૈશ્વિક મંચો પર પોતાના સંબંધોને વધુ મજબૂત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને અમેરિકાના પ્રવાસે છે.
પીએમ મોદી અને મેક્રોને બુધવારે દક્ષિણ ફ્રાન્સના માર્સિલેમાં નવા ભારતીય વાણિજ્ય દૂતાવાસનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ભારતીય સમુદાય દ્વારા બંને નેતાઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદી અને મેક્રોને બે વિશ્વ યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોના બલિદાનને શ્રદ્ધાંજલિ આપી હતી.
સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મોદી અને મેક્રોને માર્ચ ૨૦૨૬ માં નવી દિલ્હીમાં ‘ભારત-ફ્રાન્સ નવાચાર વર્ષ’ ની શરૂઆતની જાહેરાત કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ફ્રાન્સ દ્વારા ભારતના પિનાકા રોકેટ લોન્ચરની ખરીદીથી બંને દેશો વચ્ચે રક્ષા સંબંધો મજબૂત થશે.
પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોને માર્સિલેમાં વાતચીત દરમિયાન દ્વિપક્ષીય સંબંધો અને વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. મોદી અને મેક્રોને ભારત-ફ્રાન્સની વ્યૂહાત્મક ભાગીદારી પ્રત્યે તેમની પ્રતિબદ્ધતાની પણ પુષ્ટિ કરી હતી. મેક્રોને યુએનએસસીમાં ભારતની કાયમી સદસ્યતા માટે ફ્રાન્સનાં દ્રઢ સમર્થનની પુનઃપુષ્ટિ કરી હતી.
બંને નેતાઓ વચ્ચેની બેઠક બાદ જારી કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વાતચીતમાં દ્વિપક્ષીય સંબંધોના સંપૂર્ણ ક્ષેત્ર તેમજ મુખ્ય વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે. બંને નેતાઓએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)માં સુધારાની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો હતો તથા સુરક્ષા પરિષદની બાબતો સહિત વિવિધ વૈશ્વિક મુદ્દાઓ પર સંકલન સાધવા સંમતિ વ્યક્ત કરી હતી.
વડાપ્રધાન મોદીની આ છઠ્ઠી ફ્રાન્સ યાત્રા છે. ફ્રાન્સથી વડાપ્રધાન મોદી અમેરિકા જશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાર્યભાર સંભાળ્યા બાદ મોદીની આ પહેલી અમેરિકા યાત્રા છે.