‘ગીરોખત’ પર ૦.૨૫ % લેખે મહત્તમ રૂ.૨૫,૦૦૦ ની સ્ટેમ્પ ડયુટી ભરપાઈ કરવાની થાય છે, જે ઘટાડીને હવે મહત્તમ રૂ.૫,૦૦૦ ની સ્ટેમ્પ ડયુટી ભરપાઈ કરવાની થશે.
વર્ષ ૨૦૨૫-૨૬ ના અંદાજા અનુસાર એકંદર પુરાંત ₹૧૦૦૭ કરોડની રહેવાની છે. ત્યારે આ બેજેટમાં સ્ટેમ્પ ડયુટી અંગે પણ મહત્વની જાહેરાત કરાઈ છે. મંત્રી કનુ દેસાઈએ કહ્યું કે, ‘મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જીવનનિર્વાહની સરળતા અને વેપાર કરવાની સરળતા ના મંત્રને લક્ષમાં રાખીને સરકાર દ્વારા ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-૧૯૫૮ ની જોગવાઇઓમાં સરળીકરણ કરી, પ્રજાલક્ષી સુધારાઓ આવરી લેતું વિધેયક રજૂ કરવામાં આવશે. વડીલોપાર્જીત મિલકતમાં અવસાન પામેલ પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતાં હક કમીના લેખ પર, પ્રવર્તમાન ૪.૯૦ % સ્ટેમ્પ ડયુટીના બદલે પુત્રોના વારસદારોની જેમ ફક્ત રૂપિયા ૨૦૦ ની સ્ટેમ્પ ડયુટી ભરપાઈ કરવાની થશે’
નાણાં મંત્રી કનુ દેસાઈએ કહ્યું કે, ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-૧૯૫૮ ની જોગવાઇઓ મુજબ વર્તમાન સમયમાં રૂપિયા એક કરોડ સુધીની લોનની રકમ માટેના ‘ગીરોખત’ પર ૦.૨૫ % લેખે મહત્તમ રૂ.૨૫,૦૦૦ ની સ્ટેમ્પ ડયુટી ભરપાઈ કરવાની થાય છે, જે ઘટાડીને હવે મહત્તમ રૂ.૫,૦૦૦ ની સ્ટેમ્પ ડયુટી ભરપાઈ કરવાની થશે. જેથી હાઉસીંગ લોન ધારકો તેમજ નાના ઉદ્યોગકારો જેવા વર્ગોને આર્થિક લાભ થશે તેમજ સરળતા વધશે. એક વર્ષ કરતાં ઓછા સમયગાળાના ભાડાપટ્ટાના લેખ પર સરેરાશ વાર્ષિક ભાડાની રકમ પર ૧ % સ્ટેમ્પ ડયુટી ભરવાની જોગવાઇ છે. જેના સ્થાને રહેણાંક માટે રૂપિયા ૫૦૦ તથા વાણિજ્ય માટે રૂપિયા ૧૦૦૦ ની સ્ટેમ્પ ડયુટી લેવામાં આવશે તેમજ અન્ય સમયગાળાના ભાડાપટ્ટાના લેખ માટે લાગુ પડતા દરોનું સરળીકરણ કરવામાં આવશે. ઉપરાંત, નાગરિકો અને નાના ઉદ્યોગકારોના સમય અને શક્તિનો બચાવ થાય તે હેતુસર, ગીરોખત, ગીરોમુકિત લેખ, ભાડા પટ્ટા લેખ કરવા માટે સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં જવાને બદલે, ઘરે બેઠા ઈ-રજીસ્ટ્રેશનની સુવિધા ટૂંક સમયમાં પૂરી પાડવામાં આવશે’
“ગ્રીન ગ્રોથ”ની સંકલ્પનાને સાકાર કરવાના ભાગરૂપે પર્યાવરણની જાળવણી અને સંવર્ધન માટે જે ઇલેક્ટ્રીક વાહનો પર હાલમાં ૬ % સુધી ઉચ્ચક(એકંદર રકમ) વાહન વેરો અમલમાં છે, તેવા સંપૂર્ણપણે ઇલેક્ટ્રીક બેટરીથી સંચાલિત વાહનો પર ૧ વર્ષ માટે ૫ % સુધી રીબેટ આપી અસરકારક ૧ % લેખે વેરાનો દર રાખવાનો પ્રજાલક્ષી અને પર્યાવરણલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે.
વેરાના દરમાં વધુ સરળીકરણ માટે મૈક્સી કેટેગરીમાં પેસેન્જર વહનની સમતા મુજબ હાલના ૮ % તથા ૧૨૦ %ના દરને બદલે એક જ દર એટલે કે ૯ % દર રાખવામાં આવશે. જેનાથી રાજ્યના પ્રવાસન ક્ષેત્રને વેગ મળશે. ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ(GST) લાગુ થયા પછી, વર્ષ ૨૦૧૭ માં ૫.૦૮ % કરદાતાઓની સંખ્યા અંદાજિત અઢી ગણી વધીને હાલમાં ૧૨.૪૬ લાખ થઈ છે. ગુજરાત GST રિટર્ન ફાઇલિંગમાં સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન કુલ નોંધાયેલ કરદાતાઓ પૈકી ૯૯.૬ % કરદાતાઓએ GST રિટર્ન ફાઈલ કરેલ છે. જીએસટી સેવા કેન્દ્રો (GSKs)ના ગુજરાત મોડલનું સફળ અમલીકરણ હવે દેશના અન્ય રાજ્યો દ્વારા પણ કરવામાં આવી રહ્યું છે. જીએસટી સેવા કેન્દ્રો (GSK)થી નોંધણી નંબર સુધારા-વધારા, રદ કરવા સંબંધિત અરજીઓનો નિકાલ કરવામાં લાગતો સંરેરાશ સમય પણ નોંધપાત્ર રીતે ઘટ્યો છે.
વ્યવસાય કરવાની સરળતાના ઉદ્દેશને ધ્યાને લઇ વિદ્યુત શુલ્ક મુક્તિ અને રાહત માટે અરજી કરવાની સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન અને ફેસલેસ કરવામાં આવી છે તેમજ ડિજિટલ પ્લેટફોર્મના વધતા સ્વીકારને કારણે સ્વ-વીજવપરાશ કરતા ગ્રાહકો દ્વારા ભરવામાં આવતા ઈ-રિટર્ન્સમાં નોંધપાત્ર વૃદ્ધિ થઇ છે.
