લોકસભાની ચૂંટણી પછી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિને મળેલા વિજય પછી તમામ રાજકીય સમીકરણો બદલાઈ ગયા છે ત્યારે તાજેતરમાં પાટનગરમાં આયોજિત એક સંમેલનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને શરદ પવાર એક મંચ પર જોવા મળ્યા હતા. એટલું જ નહીં, મંચ પર પીએમ મોદીએ આપેલા સત્કારને લઈને રાજકારણ પણ ગરમાયું હતું. સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થયા પછી લોકોએ અલગ અલગ પ્રકારના તર્ક-વિતર્ક કર્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવનમાં ૯૮ મા અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ધાટન કર્યું હતું. અહીંના કાર્યક્રમ વખતે પીએમ મોદીએ કહ્યું કે મરાઠી ભાષા અમૃત કરતા વધુ મીઠી છે અને તેઓ હંમેશાં આ ભાષા બોલવાનો પ્રયાસ કરવાની સાથે નવા શબ્દો શિખવાની પણ નિરંતર કોશિશ કરી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે અહીંના સંમેલનમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી-એસપી)ના પ્રમુખ શરદ પવાર પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં શરદ પવાર પહોંચ્યા ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સન્માન સાથે સત્કાર આપ્યો હતો, ત્યાર બાદ સૌએ તાળીઓથી વધાવી લીધા હતા. એક જ મંચ પર બંને મહાનુભાવો સાથે જોવા મળ્યા પછી લોકોએ સાહિત્ય સંમેલનમાં સંસ્કૃતિના દર્શન થયા છે.