શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળામાં તારીખ ૨૨/૦૨/ ૨૦૨૫ ને શનિવારના રોજ ધોરણ ૭ અને ૮ ના વિદ્યાર્થીઓના વાલીઓની વાલીમીટીંગ અને સાથે સનાતન સંસ્કૃતિનો ખૂબ જ પ્રચાર પ્રસાર થાય અને આપણી સંસ્કૃતિ આપણા સંતાનોને મળે, સંસ્કૃતિનું જતન કરવા અને બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય, માતા – પિતા પ્રત્યે, વડીલો પ્રત્યે પ્રેમ, આદર, સન્માન વધે તે માટે માતૃ – પિતૃ વંદના કાર્યક્રમનું સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શ્રી સરખેજ કેળવણી મંડળના પ્રમુખશ્રી મુકેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને વાલીઓને કહ્યું કે અન્ય દેશોમાં એક જ દિવસ પેરેન્ટ્સ ડે તરીકે ઉજવાય છે. ‘મધર્સ ડે’ અને ‘ફાધર્સ ડે’ પરંતુ આપણે હિન્દુ સંસ્કૃતિમાં ૩૬૫ દિવસ ઉજવાય છે. “માતૃદેવો ભવ” “પિતૃદેવો ભવ” વેદની આ સુક્તિઓ સાકાર થાય છે. આચાર્યશ્રીએ શાળામાં અભ્યાસ કરતા બાળકોનો સર્વાંગી વિકાસ કેવી રીતે થાય અથવા તો તેની માટે શું કરી શકાય તે વિષય ઉપર વાલી સાથે ચર્ચા કરી અને વેદ મંત્ર બોલી વિદ્યાર્થીઓ પાસે માતા – પિતાનું પૂજન કરાવ્યું. શિક્ષક મિત્રોએ પણ માતા – પિતા વિશે બાળને જ્ઞાન અને માતા – પિતા નું મહત્વ સમજાવતું વક્તવ્ય આપ્યું. વાલી મિટિંગમાં વાલીઓએ શાળા પ્રતિ શિક્ષકો પ્રતિ અને આચાર્ય પ્રતિ તેમજ ટ્રસ્ટ મંડળ પ્રતિ ખુબ સારા પ્રતિભાવો રજૂ કર્યા હતા.