ફિલ્મ છાવા હાલમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ૧૪ મી ફેબ્રુઆરીએ રિલીઝ થયેલી આ ઐતિહાસિક ફિલ્મ જોઈને જે કોઈ પણ થિયેટરમાંથી બહાર નીકળે છે ત્યારે તેમની આંખો ભીની જોવા મળે છે અને તેમના મોઢામાંથી એક જ વાત નીકળે છે કે તેણે એકવાર છાવા જોવી જોઈએ. મરાઠા સમાજના ગૌરવ છત્રપતિ શિવાજી મહારાજના બહાદુર પુત્ર સંભાજી મહારાજની કહાની દુનિયાભરમાં પસંદ કરવામાં આવી રહી છે. ત્યારે મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ છાવા વિશે વાત કરી અને વિકી કૌશલની ફિલ્મના વખાણ કર્યા હતા.
પીએમ મોદીએ વિકી કૌશલની ફિલ્મ છાવાના કર્યા વખાણ
૨૧ ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હીમાં ૯૮ માં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ દરમિયાન તેમણે છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત વિકી કૌશલની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘છાવા’ના ખૂબ વખાણ કર્યા. તેમણે કહ્યું કે, ‘મહારાષ્ટ્ર અને મુંબઈ જ છે જેમણે મરાઠી ફિલ્મોની સાથે-સાથે હિન્દી સિનેમાને પણ નવી ઊંચાઈઓ આપી છે અને હાલમાં ફિલ્મ ‘છાવા’ તો ધૂમ મચાવી રહી છે. સંભાજી મહારાજની વીરતાનો પરિચય આ સ્વરૂપમાં શિવાજી સાવંતની મરાઠી નવલકથામાં કરાવવામાં આવ્યો છે.’
૮ દિવસમાં કર્યું આટલું કલેક્શન
વિક્કી કૌશલની ફિલ્મ ‘છાવા’ હાલમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ‘છાવા’ વર્ષ ૨૦૨૫ ની પહેલી ફિલ્મ છે જેણે ૨૪૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે. આજે ‘છાવા’ રિલીઝ થયાને ૮ દિવસ થઈ ગયા છે. આ ફિલ્મે પહેલા દિવસે ૩૧ કરોડ રૂપિયાની કમાણી કરી છે. સેકનિલ્કના શરૂઆતના અહેવાલ પ્રમાણે 8મા દિવસે અત્યાર સુધીમાં ફિલ્મે ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર ૨૩ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આવી સ્થિતિમાં હવે તેનું કુલ કલેક્શન ૨૪૨.૨૫ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.