અમેરિકાએ ભારતને પૈસા આપ્યા તેનો કોઈ રેકોર્ડ નથી.
અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનના કારણે ભારતમાં વિવાદ ઊભો થયો છે. જેમાં તેમણે દાવો કર્યો હતો કે, ભારતનું વોટર ટર્નઆઉટ વધારવા માટે અમેરિકા તરફથી ૨૧ મિલિયન ડોલર આપવામાં આવ્યા હતાં. ટ્રમ્પે વારંવાર કોઈપણ પ્રકારના પ્રમાણ વિના દાવો કર્યો કે, આ ફંડિંગ બાઈડેન સરકાર તરફથી કરવામાં આવ્યું હતું અને તેનો ઉપયોગ ભારતની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવા માટે કરવામાં આવ્યો હોય શકે છે. જોકે, વોશિંગ્ટન પોસ્ટના અહેવાલે આ દાવાનો ખોટો પૂરવાર કરી દીધો છે. જેમાં કહેવામાં આવ્યું કે, આવું કોઈ ફંડિંગ ભારતને કરવામાં નથી આવ્યું. આ મુદ્દે ભારતમાં સત્તાધારી પાર્ટી ભાજપ અને વિપક્ષ વચ્ચે જોરદાર રાજકીય ઘર્ષણ શરૂ થઈ ગયું છે.
ડોનાલ્ડ ટ્રમ્પે સૌથી પહેલાં ચિંતા વ્યક્ત કરી કે, ‘૨૧ મિલિયન ડોલર ભારતને આપવામાં આવ્યા હતાં, જેથી આ ચૂંટણીમાં મતદારોનું ટર્નઆઉટ વધારવામાં આવી શકે. આ ફંડ બાઈડેન સરકાર સમયે ચૂંટણી સંબંધિત ગતિવિધીઓ માટે કરવામાં આવ્યું હતું. અમેરિકાના કરદાતાઓના પૈસા આ પ્રકારના એજન્ડા માટે ઉપયોગ કેમ કરવામાં આવ્યો હતો?’ જોકે, ટ્રમ્પે આ આરોપનો કોઈ નક્કર પુરાવો રજૂ નહતો કર્યો, તેમ છતાં આ દાવાના કારણે ચર્ચાનું નવું વંટોળ શરૂ થયું છે.
અમેરિકન પ્રમુખના આ નિવેદન અમેરિકાના જ એક અહેવાલમાં કહેવામાં આવ્યું કે, USAID ના અધિકારી અને આંતરિક કાર્યક્રમ ડેટા અનુસાર, આ પ્રકારના કોઈપણ કાર્યક્રમનો કોઈ રેકોર્ડ નથી. હકીકતમાં USAID દ્વારા ૨૧ મિલિયનનું ફંડિંગ ભારતની બદલે બાંગ્લાદેશને કરવામાં આવ્યું હતું.

ટ્રમ્પના આ નિવેદનના જવાબમાં USAID ના અધિકારીઓએ કહ્યું કે, ‘અમે આ આરોપથી હેરાન છીએ.’ એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, ‘સંગઠન ક્યારેય ભારતીય ચૂંટણીમાં સામેલ નથી થયું, જેનાથી ટ્રમ્પનો દાવો પાયાવિહોણો સાબિત થયો છે.’ એક અન્ય અધિકારીએ પુષ્ટિ કરી કે, અમેરિકાની સરકાર પાસે આ પ્રકારના કોઈ કાર્યક્રમનો રેકોર્ડ નથી, જેનાથી ટ્રમ્પના નિવેદનની પુષ્ટિ થઈ શકે. ભારતમાં આ મુદ્દાને તુરંત રાજકીય હથિયારના રૂપે અપનાવવામાં આવ્યું છે. ભાજપે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર વિદેશી મદદ લેવાનો આરોપ લગાવ્યો જેથી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને નબળું કરી શકાય. જોકે, કોંગ્રેસે વોશિંગ્ટન પોસ્ટના અહેવાલને હથિયાર બનાવીને વળતો પ્રહાર કરી રહી છે.
કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ અમેરિકાના અહેવાલને ટાંકીને ભાજપ પર પ્રહાર કર્યાં છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી કે, ‘ભારતમાં મતદાન વધારવા માટે કહેવાતા યુએસ ફંડિંગ પરના આ તાજેતરના ખુલાસામાં ખબર પડી કે આવો કોઈ કાર્યક્રમ અસ્તિત્ત્વમાં નહોતો અને આવું કોઈ ફંડિંગ આવ્યું નથી. હવે ભાજપ અને તેના અંઘસમર્થકોની હવે બોલતી બંધ થઈ જશે.’
અમેરિકાના મીડિયા અહેવાલમાં ખુલાસો થયો છે કે, USAID ના ફંડિંગનો કાર્યક્રમ હકીકતમાં બાંગ્લાદેશ માટે હતો, ન કે ભારત માટે. 21 મિલિયન ડોલરનું આ ફંડિંગ ૪૮૬ મિલિયન ડોલરના એક મોટા પેકેજનો ભાગ હતો, જે વિવિધ દેશોમાં ચૂંટણી પ્રક્રિયાને સુદ્રઢ કરવા માટે CEPPS (ચૂંટણીઓ અને રાજકીય પ્રક્રિયા મજબૂતીકરણ માટે કન્સોર્ટિયમ) ના માધ્યમે આપવામાં આવ્યું હતું.
USAID નો હેતુ દુનિયાભરમાં લોકતાંત્રિક સંસ્થાઓનું સમર્થન કરવાનો છે. પરંતુ, કોઈપણ દેશની ચૂંટણીમાં પ્રત્યક્ષ હસ્તક્ષેપનો દાવો નકારી દેવામાં આવ્યો છે. દુનિયાના સૌથી મોટા લોકતંત્ર ભારતે હંમેશા આ સુનિશ્ચિત કર્યું છે કે, તેમની ચૂંટણી કોઈપણ વિદેશી પ્રભાવથી મુક્ત છે અને આ વિવાદ વચ્ચે ભારતીય અધિકારીઓએ પણ આ જ વલણનું પુનરાવર્તન કર્યું હતું.
