નકલી પોલીસ બાદ હવે નકલી પત્રકારોની ભરમાર ; ઝડપાઇ તોડબાજ ટોળકી…

નકલી પત્રકાર બની સ્પાનાં સંચાલક પાસે તોડ કરવા જનાર ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સ્પાનાં નામે ગોરખધંધા થતા હોવાનું છટકું ગોઠવીને આ ટોળકી તોડ કરવાનો પ્રયાસ કરતી હતી. એટલું જ નહિં આ ટોળકી સોનાનો ચેઇન ચોરી થયો હોવાની ખોટી ફરીયાદ કરી હતી. પોલીસને પણ ગુમરાહ કરતી હતી. જોકે પોલીસે ઉલટ તપાસ કરતા આ તોડબાજ ટોળકીનો પર્દાફાશ થયો છે.

રાજકોટ પોલીસનાં સકંજામાં રહેલા આ શખ્સો છે તોડબાજ પત્રકારો. આ શખ્સો પર આરોપ છે, એક સ્પા સંચાલક પાસે રૂપીયા દોઢ લાખની ખંડણી માંગવાનો.  ટોળકીનાં કાળા કારનામાનો કાળો ચિઠ્ઠો ખોલીએ તે પહેલા ઓળખી લો આ ટોળકીને. તેના નામ છે મયુર પાણખાણીયા, ગૌતમ દેથરીયા, રવિ લાડવા, સંજય મકવાણા, સુરેશ પાટોલીયા અને એક સગીર પણ સાથે છે. આ શખ્સો ગત 5 તારીખનાં રોજ રાજકોટનાં યુનિવર્સિટી રોડ પર આવેલા અરિવા વેલનેશ એન્ડ હેલ્થકેર સ્પામાં મસાજ કરાવવા માટે પહોંચ્યા હતા.

દરમિયાન થેરાપી લીધા બાદ આ ટોળકીનાં એક સદસ્યએ પોતાનો સોનાનો ચેઇન ચોરી થયો છે તેવી વાત કરી સ્પાનાં સંચાલકને પોલીસની ધમકી આપી હતી. ત્યારબાદ પોતે પત્રકાર હોવાનું કહિને ત્યાં અન્ય સાથીઓને બોલાવી સ્પામાં ગોરખધંધા ચાલતા હોવાનું કહિને તેની પાસેથી રૂપીયા દોઢ લાખની ખંડણી માંગી હતી. જોકે પોતે રચેલી જાળમાં આ ટોળકી પોતે જ ફસાઇ અને સોનાનાં ચેઇનની ચોરીની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસને આ વાત ગળે ન ઉતરી અને આ ટોળકીની ઉલટ તપાસ કરતા આખો ભાંડો ફુટી ગયો.

પોલીસનાં કહેવા પ્રમાણે આ ટોળકી મિડીયાનાં નામે અનેક જગ્યા પર આ રીતે બદનામ કરવાનો ડર બતાવી સોશ્યલ મિડીયા પર લાઇવ કરીને રૂપીયા પડાવતા હોવાનું સામે આવ્યું છે. આ કિસ્સામાં પણ આ ટોળકીએ ન્યુઝ ચેનલનાં નામે સોશ્યલ મિડીયા પર લાઇવ કરી સ્પા સંચાલકને બ્લેકમેલ કર્યા હતા. પોલીસની તપાસમાં એવી પણ ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, આ નકલી પત્રકારોનું કાર્ડ માત્ર 2500 રૂપીયામાં કાઢીને આ ટોળકી આ પ્રકારનો ગોરખધંધો શરૂ કર્યો હતો.

હાલ પોલીસે આ શખ્સો ધરપકડ કરી તેની સામે કાયદાનો ગાળીયો મજબુત કર્યો છે. આ ટોળકીએ અત્યાર સુધીમાં કેટલા લોકો પાસેથી રૂપીયા ખંખેર્યા છે. કેટલા લોકોને બ્લેક મેલ કર્યા છે અને આ ટોળકી સાથે હજું કોણ કોણ સામેલ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે. સાથે સાથે પોલીસે લોકોને પણ અપિલ કરી છે કે, આ રીતે મિડીયાના નામે જો કોઇ વ્યક્તિ બ્લેક મેલીંગ કરે તો તુરંત જ પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *