લીંબુએ ડુંગળી અને બટાટાની સાઈડ કાપી
ઉનાળાની શરૂઆત પહેલા જ ગરમી તોબા પોકારાવી રહી છે ત્યારે ગરમીનો પારો વધતાની સાથે જ લીંબુએ ચાર દિવસમાં જ ખટાશ પકડી લીધી છે, રાજકોટ યાર્ડમાં તા.૧૯ મી ફેબ્રુઆરીએ ૧૦૦૦ રૂપિયામાં એક મણ વેચાતા લીંબુના ભાવ તા.૨૪ મીએ વધીને ૧૫૦૦ રૂપિયા થઇ જતા છૂટક બજારમાં લીંબુના ભાવ સીધા જ ૨૦૦ રૂપિયા પ્રતિ કિલો થઇ ગયા છે. બીજી તરફ છેલ્લા અઠવાડિયામાં બટાટાના ભાવ તળિયે બેસી જતા ડુંગળીએ બટાટાની સાઈડ કાપી લીધી છે. જો કે, સારામાં સારા બટાટા હોલસેલમાં ૨૫૦ રૂપિયે મણ મળતા હોવા છતાં છૂટક બજારમાં ૨૫ થી ૩૦ રૂપિયે કિલોગ્રામ વેચાઈ રહ્યા છે.
ઓણસાલ સારા વરસાદ બાદ શિયાળો પણ જામ્યો હોય હાલમાં ઠંડી ઓછી થતા જ શકમાર્કેટમાં વિવિધ શાકભાજીના ઢગલા જોવા મળી રહ્યા છે. બીજીતરફ ઓણસાલ ગૃહિણીઓને બટાટા અને ડુંગળીના ભાવમાં રાહત મળી નથી પરંતુ હાલમાં બટાટાની બજાર ઢીલી પડતા હવે બટાટાની પતરીની મોસમમાં સસ્તા બટાટા મળવાના એંધાણ મળી રહ્યા છે. રાજકોટ યાર્ડમાં સોમવારે ૬૨૦૦ કવીન્ટલ બટાટાની આવક નોંધાઈ હતી અને પ્રતિમણ બટાટાના રૂ.૧૬૦ થી ૨૫૦ બોલાયા હતા.જો કે, આમ છતાં છૂટક માર્કેટમાં બટાટા ૩૦થી ૪૦ રૂપિયે કિલો મળી રહ્યા છે. બીજી તરફ સોમવારે યાર્ડમાં ૩૫૦૦ કવીન્ટલ ડુંગળીની આવક નોંધાઈ હતી અને રૂ.૧૬૦ થી લઈ ૪૫૦ રૂપિયા પ્રતિમણ લેખે ડુંગળીના સોદા થયા હોય ડુંગળીએ બટાટાની સાઈડ કાપી લીધી હતી.
રાજકોટ યાર્ડમાં હાલમાં દરરોજ ૩૨૫થી ૩૫૦ કવીન્ટલ એટલે કે, ૧૭૫૦ મણ લીંબુ ઠાલવાઈ રહ્યા છે. ગરમી વધતા જ લીંબુની ડિમાન્ડ વધતા ભાવ ઉપર સીધી જ અસર જોવા મળી રહી છે. ગત તા.૧૯ ના રોજ પ્રતિમણ લીંબુના ઉંચામાં ૧૦૦૦ રૂપિયા ભાવ બોલાયા હતા. જે ભાવમા તા.૨૦ મીએ ૧૦૦ રૂપિયા, ૨૧ મીએ ૧૦૦ રૂપિયા તા.૨૨ મીએ ૫૦ રૂપિયાના વધારા બાદ તા.૨૪ મીએ સીધો જ ૨૫૦ રૂપિયા ભાવ ઉછાળો જોવા મળ્યો હતો અને તા.૨૪ મીના રોજ ૩૫૦ કવીન્ટલ લીંબુના પ્રતિમણના ઉંચામાં ૧૫૦૦ રૂપિયા અને નીચામાં ૬૦૦ રૂપિયા મણના ભાવે સોદા થયા હતા. બીજી તરફ છૂટક શાકમાર્કેટમાં લીંબું ૧૨૦ થી ૧૫૦ રૂપિયા કિલોગ્રામના ભાવે મળી રહ્યા છે.