ભારતીય રાજદૂતે પાકિસ્તાન પર પ્રહાર કરતા કહ્યું કે, પાકિસ્તાન પોતે માનવાધિકાર ઉલ્લંઘનથી પીડાઈ રહ્યું છે અને બીજાઓને ઉપદેશ આપવાની સ્થિતિમાં નથી.
ભારતે બુધવારે જીનીવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC) ની બેઠકમાં પાકિસ્તાન પર જોરદાર પ્રહારો કર્યા હતા. વાસ્તવમાં પાકિસ્તાને ભારત પર જમ્મુ-કાશ્મીરમાં લોકશાહીને દબાવવા અને માનવાધિકારોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. ભારતે કહ્યું કે, આ કોઈ પાયા વગરના દુર્ભાવનાપૂર્ણ આરોપો છે. ભારતીય રાજદૂતે પાકિસ્તાન પર પ્રહાર કરતા કહ્યું કે, પાકિસ્તાન પોતે માનવાધિકાર ઉલ્લંઘનથી પીડાઈ રહ્યું છે અને બીજાઓને ઉપદેશ આપવાની સ્થિતિમાં નથી. તેમનું ભાષણ દંભથી ભરેલું છે.
ભારતીય રાજદ્વારી કૃતિ ત્યાગીએ જણાવ્યું હતું કે, ભારત પાકિસ્તાન દ્વારા લગાવવામાં આવેલા પાયાવિહોણા અને દુર્ભાવનાપૂર્ણ આરોપોનો જવાબ આપી રહ્યું છે. તે ખેદજનક છે કે, પાકિસ્તાનના કહેવાતા નેતાઓ અને પ્રતિનિધિઓ તેના લશ્કરી આતંકવાદી મશીનરી દ્વારા જૂઠાણા ફેલાવવામાં રોકાયેલા છે. અગાઉ પાકિસ્તાનના કાયદા ન્યાય અને માનવાધિકાર મંત્રી આઝમ નઝીર તરારે ફોરમમાં કહ્યું હતું કે, કાશ્મીરના લોકોના સ્વ-નિર્ણયના અધિકારનું સતત ઉલ્લંઘન થઈ રહ્યું છે, જે સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને ઠરાવો અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, આ પ્રદેશમાં માનવાધિકાર ઉલ્લંઘન થઈ રહ્યું છે, જેને રોકવાની જરૂર છે.
ભારતે આ આરોપોનો જવાબ આ પ્રદેશમાં થઈ રહેલા વિકાસ અને પ્રગતિનો ઉલ્લેખ કરીને આપ્યો. કાશ્મીર પર પોતાની સાર્વભૌમત્વનો પણ પુનરોચ્ચાર કર્યો. કૃતિજ ત્યાગીએ કહ્યું, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ હંમેશા ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ રહેશે. છેલ્લા કેટલાક વર્ષોમાં જમ્મુ અને કાશ્મીરમાં જોવા મળેલો અભૂતપૂર્વ રાજકીય, સામાજિક અને આર્થિક વિકાસ પોતે જ આનો પુરાવો છે. આ સફળતાઓ સરકારના પ્રયાસોમાં લોકોના વિશ્વાસનો પુરાવો છે, જે દાયકાઓથી પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામે લડી રહેલા પ્રદેશમાં સામાન્યતા લાવવા માટે પ્રતિબદ્ધ છે.
આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, પાકિસ્તાને ભારત પર દોષારોપણ કરવાની પોતાની બીમારીની આદત છોડી દેવી જોઈએ અને પોતાના લોકોને શાસન અને ન્યાય આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ત્યાગીએ કહ્યું કે, એક એવો દેશ જ્યાં માનવાધિકારોનું ઉલ્લંઘન, લઘુમતીઓ પર અત્યાચાર અને લોકશાહી મૂલ્યોનું અવમૂલ્યન એ રાજ્યની નીતિ છે અને જે યુએન દ્વારા પ્રતિબંધિત આતંકવાદીઓને આશ્રય આપે છે, ત્યાં પાકિસ્તાન કોઈને ઉપદેશ આપવાની સ્થિતિમાં નથી.
પાકિસ્તાનની વાણી-વર્તન દંભથી ભરેલી છે. તેના કાર્યો અમાનવીય છે અને શાસનમાં તેની અસમર્થતાને પ્રતિબિંબિત કરે છે. ભારત લોકશાહી, પ્રગતિ અને તેના લોકોની ગરિમા સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પાકિસ્તાને જે મૂલ્યો શીખવા જોઈએ. સોમવારે વિદેશ પ્રધાન એસ. જયશંકરે પણ કાઉન્સિલને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે, ભારતે હંમેશા માનવ અધિકારોના વૈશ્વિક પ્રમોશન અને રક્ષણમાં સક્રિય ભૂમિકા ભજવી છે, જ્યારે તે આતંકવાદ સામે લડવામાં હંમેશા કઠોર અને મક્કમ રહ્યું છે.
