પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઐતિહાસિક ઘટનાને એકતાનો મહાકુંભ ગણાવ્યો અને પોતાના બ્લોગમાં લખ્યું……. મહાકુંભમાં દેશભરના ભક્તો એકઠા થયા.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ૪૫ દિવસ સુધી ચાલેલા મહાકુંભનું ભવ્ય સમાપન થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઐતિહાસિક ઘટનાને એકતાનો મહાકુંભ ગણાવ્યો અને પોતાના બ્લોગમાં લખ્યું કે, કોઈપણ ઔપચારિક આમંત્રણ કે માહિતી વિના કરોડો ભક્તો આ કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને તેમણે ભારતની આધ્યાત્મિક ચેતના અને સાંસ્કૃતિક એકતાનો અનોખો નજારો આપ્યો.
પીએમ મોદીએ લખ્યું કે, આ મહાકુંભમાં દેશભરના ભક્તો એકઠા થયા હતા. જેમાં સંતો, મહાત્માઓ, બાળકો, વૃદ્ધો, મહિલાઓ અને યુવાનોનો સમાવેશ થતો હતો. તેમણે તેને ભારતની એકતા અને સંવાદિતાનું પ્રતીક ગણાવ્યું.
આ કાર્યક્રમની ભવ્યતા વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, દુનિયામાં એવું બીજું કોઈ ઉદાહરણ નથી કે જ્યાં આટલી મોટી સંખ્યામાં લોકો ઔપચારિક આમંત્રણ વિના પહોંચ્યા હોય. તેમણે મહાકુંભ દરમિયાન મુલાકાત લેનારા કરોડો લોકોની સુવિધાઓનું ધ્યાન રાખનારા પ્રયાગરાજના વહીવટીતંત્ર, સ્વચ્છતા કર્મચારીઓ, પોલીસકર્મીઓ, નાવિકો અને સ્થાનિક રહેવાસીઓની સેવા ભાવનાની પણ પ્રશંસા કરી.
પીએમ મોદીએ પોતાના બ્લોગમાં લખ્યું છે કે, મહાકુંભ માત્ર એક ધાર્મિક પ્રસંગ નહોતો પરંતુ તે એક મહાન યજ્ઞ હતો જેણે ભારતની રાષ્ટ્રીય ચેતનાને જાગૃત કરી હતી. તેને નવા ભારતનો મજબૂત પાયો ગણાવતા તેમણે કહ્યું કે, આ કાર્યક્રમ ભારતના ઉજ્જવળ ભવિષ્યની ઝલક આપે છે, જ્યાં આધ્યાત્મિકતા અને વિકાસ એકસાથે આગળ વધી રહ્યા છે.
આ સિવાય નરેન્દ્ર મોદીએ નદીની સ્વચ્છતા વિશે વાત કરતા કહ્યું કે, ‘જ્યારે હું કાશી ચૂંટણી માટે ગયો હતો, ત્યારે મારા અંતરમનના ભાવ શબ્દોમાં પ્રકટ થયા હતાં અને મેં કહ્યું હતું કે, મા ગંગાએ મને બોલાવ્યો છે. તેમાં એક જવાબદારીનો ભાવ પણ હતો, આપણી માતા સ્વરૂપી નદીઓની પવિત્રતાને લઈને, સ્વચ્છતાને લઈને. પ્રયાગરાજમાં ગંગા-યમુના-સરસ્વતીના સંગમ પર મારો સંકલ્પ દ્રઢ થયો છે. ગંગા, યમુના, આપણી નદીઓની સ્વચ્છતા આપણાં જીવનની યાત્રા સાથે જોડાયેલી છે. આપણી જવાબદારી બને છે કે, નદી ભલે નાની હોય કે મોટી, તેને જીવનદાતા માતાનું પ્રતીક માનીને, આપણે આપણી સુવિધા મુજબ નદી ઉત્સવ ઉજવીએ. એકતાના આ મહાન કુંભે આપણને આપણી નદીઓને સ્વચ્છ રાખવા અને આ અભિયાનને મજબૂત બનાવવા પ્રેરણા આપી છે.
અંતમાં પીએમ મોદીએ મહાકુંભની તુલના ભગવાન કૃષ્ણ દ્વારા માતા યશોદાને બ્રહ્માંડ દર્શાવવા સાથે કરી અને કહ્યું કે, આ મહાકુંભમાં દુનિયાએ ભારતની સાચી શક્તિ જોઈ. તેમણે એવી પણ માહિતી આપી કે, તેઓ ટૂંક સમયમાં શ્રી સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરશે અને ભારતની સમૃદ્ધિ અને એકતા માટે પ્રાર્થના કરશે.