જોસ બટલર કૅપ્ટનશિપ છોડવાના આપ્યા સંકેત.
ICC ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ માં અફઘાનિસ્તાને મોટું ઉલટફેર કર્યું. ૨૬ ફેબ્રુઆરીએ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં અફઘાનિસ્તાને ઇંગ્લૅન્ડને ૮ રનથી હરાવી દીધું. અફઘાનિસ્તાનની જીતના કારણે ઇંગ્લિશ ટીમ સેમિફાઇનલની રેસથી બહાર થઈ ગઈ. વનડે ઇન્ટરનેશનલમાં ઇંગ્લૅન્ડ વિરુદ્ધ અફઘાનિસ્તાનની આ સતત બીજી જીત રહી. આ પહેલા ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૩ માં પણ અફઘાની ટીમે ઇંગ્લૅન્ડને ૬૯ રનથી હરાવ્યું હતું.
હાર બાદ ઇંગ્લૅન્ડના કૅપ્ટન જોસ બટલરનું દર્દ છલકાયું. બટલરે કૅપ્ટનશિપ છોડવાના પણ સંકેત આપ્યા. પોતાના ખરાબ ફોર્મને લઈને ટીકાના શિકાર થઈ રહેલા બટલરે અફઘાનિસ્તાનના હાથે હાર સાથે ચેમ્પિયન્સ ટ્રોફીથી બહાર થયા બાદ કહ્યું કે હું પોતાની કૅપ્ટનશિપને લઈને કોઈ ઉતાવળિયું નિવેદન આપીશ નહીં પરંતુ તમામ શક્યતાઓ સામે છે.

જોસ બટલરની કૅપ્ટનશિપમાં ઇંગ્લૅન્ડ ભારતમાં આયોજિત વનડે વર્લ્ડ કપ ૨૦૨૩ અને વેસ્ટઇન્ડિઝ-અમેરિકામાં આયોજિત ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ માં નિષ્ફળ રહ્યું. બટલર કહે છે, ‘અફઘાનિસ્તાને અંતિમ બે ઓવરોમાં અમારી પાસેથી મેચ છીનવી લીધી. તેનો શ્રેય ઇબ્રાહિમ જદરાનને જાય છે જેમણે શાનદાર ઇનિંગ રમી. જો રુટે પણ શ્રેષ્ઠ સદી ફટકારી. કોઈ એક બેટ્સમેન તેની સામે ટકીને રમી શકત તો સારું રહેત. દુર્ભાગ્યથી પોતાની ચોથી ઓવરમાં માર્ક વુડને ઘૂંટણમાં ઈજા પહોંચી. દુખાવો છતાં બોલિંગ કરવા માટે તેને શ્રેય જાય છે. રુટ તમામ ફોર્મેટમાં એક શાનદાર ખેલાડી રહ્યો છે અને તેણે અમને દબાણને સંભાળવાની રીત બતાવી છે. તેનો વનડે રૅકોર્ડ શાનદાર છે. વિશ્વના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક હોવાના કારણે જ્યારે તમે સારું પ્રદર્શન કરતા નથી તો આ નિરાશાજનક હોય છે. હું કોઈ પણ ભાવનાત્મક નિર્ણય લેવા માગતો નથી.’
અફઘાનિસ્તાનના કૅપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ જીત બાદ કહ્યું, ‘એક ટીમ તરીકે અમે ખુશ છીએ. અમારો દેશ આ જીતથી ખુશ હશે. મેચ ખૂબ તણાવપૂર્ણ હતી પરંતુ અમે આને સારી રીતે કંટ્રોલ કરી. હું પરિણામથી ખુશ છું. જાદરાન એક પ્રતિભાશાળી ખેલાડી છે. અમે શરુઆતમાં ત્રણ વિકેટ ગુમાવી ચૂક્યા હતા અને દબાણ હતું. મારા અને જાદરાનની વચ્ચેની ભાગીદારી મહત્ત્વપૂર્ણ હતી. અજમતે સારી ઇનિંગ રમી અને શાનદાર ઓવર પણ ફેંકી.’
હશમતુલ્લાહ શાહિદી કહે છે, ‘અમારી પાસે પ્રતિભાશાળી યુવાન અને અમુક વરિષ્ઠ ખેલાડી છે. દરેક પોતાની ભૂમિકા જાણે છે. દરેક સારું પ્રદર્શન કરી રહ્યા છે. આશા છે કે અમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચમાં પણ આ લયને જાળવી રાખીશું. આનાથી અમને આત્મવિશ્વાસ મળશે પરંતુ આ એક નવો દિવસ હશે. તે મેચ નક્કી કરશે કે સેમિફાઇનલમાં કોણ જશે. અમે તે દિવસે તે જ કરીશું જે અમારા માટે સારું થશે.’
મેચમાં અફઘાનિસ્તાને ઈબ્રાહિમ જાદરાનની સદી(૧૭૭) સાથે સાત વિકેટ પર ૩૨૫ રન બનાવ્યા. જવાબમાં ઇંગ્લિશ ટીમ ૪૯.૫ ઓવરોમાં ૩૧૭ રન પર સમેટાઈ ગઈ. ઇંગ્લૅન્ડ માટે જો રુટે ૧૨૦ રનની ઇનિંગ રમી. અફઘાનિસ્તાનની ટીમ હવે પોતાની આગામી મેચમાં ૨૮ ફેબ્રુઆરી (શુક્રવારે) ઓસ્ટ્રેલિયા સાથે ટકરાશે.