ગુજરાત હાઈકોર્ટમાં 10 એપ્રિલથી લઈને 14 એપ્રિલ સુધી તમામ કામકાજ બંધ રહેશે. ગુજરાત હાઈકોર્ટમાં વધતા કોરોના કેસને પગલે ચીફ જસ્ટિસે હાઈકોર્ટને તકેદારીના ભાગરૂપે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સમય દરમિયાન ગુજરાત હાઈકોર્ટના સમગ્ર પરિસરને સેનેટાઈઝ કરવામાં આવશે.
અમદાવાદ શહેરમાં સૌથી વધારે કોરોનાના 798 કેસ નોંધાયા તો સુરત શહેરમાં 615 કેસ સામે આવ્યા. રાજકોટ શહેરમાં 321 અને વડોદરા શહેરમાં 218 પોઝિટિવ કેસ નોંધાયા. પાટણમાં પણ રીતસરનો કોરોના મહાવિસ્ફોટ થયો છે. રાજ્યના મહાનગરો બાદ એકમાત્ર પાટણ જિલ્લામાં જ 107 કેસ નોંધાયા છે. મહેસાણામાં 63 કેસ અને કચ્છમાં 35 કેસ નોંધાતા વહીવટી તંત્રની ચિંતામાં વધારો થયો છે. આરોગ્ય વિભાગ તમામ જિલ્લામાં બેડ, ઓક્સિજન, દવા, ટેસ્ટિંગ કીટ વધારવા કામે લાગ્યું છે.
રાજ્યમાં કોરોના રસીકરણ અભિયાન પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. રાજ્યમાં 3 લાખ 12 હજાર લોકોનું એક જ દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદને કોરોનાએ અજગરી ભરડામાં જાણે જકડ્યું છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં મળીને પાછલા 24 કલાકમાં 817 પોઝિટિવ કેસ સામે આવ્યા તો અમદાવાદ શહેરમાં 7 દર્દીઓના મૃત્યુ નિપજ્યા જેની સામે શહેર અને જિલ્લામાં મળીને 456 દર્દીઓ સારવાર બાદ સાજા પણ થયા છે.