૪ માર્ચે ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયા ઉતરશે મેદાનમાં.
દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ICC ચેમ્પિયન્સ ટ્રૉફી ૨૦૨૫ માં ભારતીય ટીમ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાઈ રહી હતી. જેમાં ભારતીય ટીમની ૪૪ રનથી શાનદાર જીત થઈ છે. ટૉસ હારીને પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે ૫૦ ઓવરમાં ૯ વિકેટના નુકસાન પર ૨૪૯ રન બનાવ્યા હતા. ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને ૨૫૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ ૪૫.૩ ઓવરમાં માત્ર ૨૦૫ રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ. જોકે, બંને ટીમો પહેલા જ સેમિફાઈનલમાં પહોંચી ચૂકી છે. હવે આ મેચની વિજેતા ટીમ ભારતનો સામનો ચોથી માર્ચે સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સાથે થશે. જ્યારે હારનારી ટીમ ન્યૂઝીલેન્ડ સેમિફાઈનલમાં સાઉથ આફ્રિકાનો સામનો કરશે.
ભારત તરફથી શ્રેયસ ઐય્યરે બેટિંગ સંભાળ્યા બાદ બોલિંગમાં વરૂણ ચક્રવર્તીએ પણ કમાલ કરી બતાવ્યો છે. વરુણે ન્યુઝીલેન્ડના પાંચ બેટ્સમેનોને આઉટ કર્યા છે. જ્યારે કુલદીપ યાદવે બે વિકેટ અને હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજાએ એક-એક વિકેટ ઝડપી છે.
ભારતના ટોપના ત્રણ બેટ્સમેનો રોહિત શરમા ૧૫ રન, શુભમન ગીલ બે રન અને વિરાટ કોહલી ૧૧ રને આઉટ થયા બાદ શ્રેયસ ઐય્યરે ૯૮ બોલમાં બે સિક્સ અને ચાર ફોર સાથે ૭૯ રન નોંધાવ્યા હતા. ત્યારબાદ અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યાએ બાજી સંભાળી હતી. આજની મેચમાં હાર્દિકે ૪૫ બોલમાં બે સિક્સ અને ચાર ફોર સાથે ૪૫ રન નોંધાવવાની સાથે એક વિકેટ પણ ઝડપી છે. જ્યારે અક્ષરે ૬૧ બોલમાં એક સિક્સ અને ત્રણ ફોર સાથે ૪૨ રન નોંધવવાની સાથે એક વિકેટ ખેરવી છે.
ન્યુઝીલેન્ડ તરફથી એકમાત્ર કેન વિલિયમસને ૧૨૦ બોલમાં સાત ફોર સાથે ૮૧ રન નોંધાવ્યા હતા, જ્યારે ઓપનિંગમાં આવેલા વિલ યોંગે ૨૨ રન અને રચીન રવિન્દ્રએ છ રન ફટકારી આઉટ થયા હતા. જ્યારે સુકાની મિશેલ સન્ટનરે ૨૮ રન નોંધાવ્યા હતા. બાકીના તમામ બેટ્સમેનો કંઈક ખાસ રન નોંધાવી શક્યા ન હતા.
પોઈન્ટ ટેબલમાં ગ્રૂપ-એમાં ભારતે ત્રણ મેચમાંથી ત્રણેય મેચ જીતી ૬ પોઈન્ટ સાથે ટોચ પર છે, જ્યારે બીજા ક્રમે ન્યુઝીલેન્ડ, ત્રીજા ક્રમે બાંગ્લાદેશ અને ચોથા ક્રમે પાકિસ્તાન છે.
જ્યારે ગ્રૂપ-બીમાં સાઉથ આફ્રિકા પાંચ પોઈન્ટ સાથે ટોચ પર છે. બીજા ક્રમે ઓસ્ટ્રેલિયા, ત્રીજા ક્રમે અફઘાનિસ્તાન અને ચોથા ક્રમે ઈંગ્લેન્ડનો સમાવેશ થાય છે.
