સુરત ખાતે AAPના ધારાસભ્ય ચૈતર વસાવા બુટલેગર સાથે લગ્નમાં ડાન્સ કરતાં જોવા મળ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જ્યારે વાઈરલ વીડિયો મામલે વસાવાએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, ‘એ અજાણતા મારી પાસે નાચવા આવ્યા…, મારો કોઈ સંબંધ નથી, આ તો ભાજપનો સક્રિય સભ્ય છે.’
સુરતમાં સાથીમિત્રની બહેરના ગઈકાલે રવિવારે લગ્નમાં ચૈતર વસાવાએ હાજરી આપી હતી. આ દરમિયાન સુરતના કામરેજ પંથકના બુધો ઉર્ફે બુધિયો નામના શખ્સની બાજુમાં ચૈતર વસાવા ડાન્સ કરતાં જોવા મળ્યા હતા. જો કે, ચૈતર વસાવા જેના ખભા પર હાથ રાખીને ડાન્સ કરી રહ્યા હતા, તે શખ્સ બુટલેગર હોવાનું જાણવા મળ્યું હતું. બુટલેગર સાથે ચૈતર વસાવાનો ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયમાં વાઈરલ થયો હતો. જેને લઈને વસાવાએ ચોખવટ કરી હતી.

ચૈતર વસાવાએ આ મામલે સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, ‘એ વ્યક્તિ સાથે મારે કોઈ પરિચય નથી, અગાઉ અમે મળ્યા પણ નથી. લગ્નમાં મોટી સંખ્યામાં લોકો નાચતા હતા, આ દરમિયાન એ વ્યક્તિ અજાણતા મારી પાસે આવીને નાચવા લાગ્યો હતો. અમે દારૂનો ધંધો કરનાર તમામના વિરોધી છે અને અમે એવા કોઈ વ્યક્તિનું સમર્થન કરતાં નથી. આ વ્યક્તિ ભાજપનો સક્રિય સભ્ય છે. ‘