ભારતે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જ્યારે ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનને હરાવ્યું હતું, આજે રમાશે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમીફાઇનલ મેચ.
ભારતીય ટીમ આઈસીસી ચેમ્પિયન ટ્રોફીની તમામ મેચો જીતીને સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. જોકે રોહિત શર્માની ટીમ જાણે છે કે, નોકઆઉટ મેચમાં ઓસ્ટ્રેલિયા ટીમ કેટલી મજબૂત છે. મેચ પહેલા રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કડક ટક્કર મળવાની છે. બંને દેશો વચ્ચે ચોથી માર્ચે દુબઈમાં સેમીફાઈનલ મેચ રમાવાની છે. બીજીતરફ ચેમ્પિયન ટ્રોફીમાં અગાઉ વરસાદને કારણે ત્રણ મેચો ધોવાઈ ગઈ હતી, જેના કારણે ક્રિકેટ રસિયાઓ આગામી બે સમિફાઈનલ મેચને લઈ ચિંતિત બન્યા છે. ચર્ચા છે કે, જો વરસાદના કારણે ભારત-ઓસ્ટ્રેલિયાની સેમીફાઈનલ રદ થાય તો કંઈ ટીમ ફાઈનલમાં પહોંચશે? તો જાણિયે દુબઈનું હવામાનની સેમીફાઈનલ પર કેવી અસર થશે.
વાસ્તવમાં દુબઈમાં આવતીકાલે વરસાદની સંભાવના છે, જેના કારણે તેની અસર ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ પર પણ પડી શકે છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયા-સાઉથ આફ્રિકા, પાકિસ્તાન-બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન-ઓસ્ટ્રેલિયાની મેચમાં વરસાદ પડતા મેચ રદ કરવી પડી હતી. સેમીફાઈનલની વાત કરીએ તો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી માર્ચે દુબઈમાં પ્રથમ સેમીફાઈનલ મેચ રમાવાની છે, જ્યારે સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે લાહોરના ગદ્દાફીમાં બીજી સેમીફાઈનલ મેચ રમાવાની છે.
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે દુબઈમાં બપોરે ૦૨:૩૦ કલાકે મેચ શરૂ થશે. આપને જણાવી દઈએ કે, ચેમ્પિયન્સ ટ્રોફીની બંને સેમીફાઈનલમાં રિઝર્વ ડે નિર્ધારીત કરાયો છે. એટલે કે જો વરસાદના કારણે મેચ શરૂ ન થાય અથવા જે સમયે મેચ બંધ કરવી પડે તો રદ થયેલી મેચ અથવા બાકીની ઓવરો રિઝર્વ ડે પર રમાશે.