ગુજરાતમાં હાલ ફાગણ મહિનાની સાથે ઉનાળાની શરૂઆત થઈ રહી છે. ત્યારે હાલમાં ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે, જેની અસરથી ગુજરાતમાં આગામી બે-ત્રણ દિવસ ગરમીથી આંશિક રાહત મળી છે. રાજ્યમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. ગતરાત્રીથી પવનની ગતિમાં વધારો થયો છે.
હાલ ગુજરાતના તાપમાનમાં ઘટાડાનું મુખ્ય કારણ ઉત્તર-પશ્ચિમ ભારતમાંથી પસાર થઈ રહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. પવનની દિશા ઉત્તર-પશ્ચિમથી ઉત્તર તરફ રહેશે. જેના અસરતળે ઠંડા પવનો ફૂંકાઇ રહ્યા હોય જેના કારણે ગરમીથી આંશિક રાહત મળી છે. વહેલી સવારે ઠંડીનો અનુભવ થયો છે. રાજ્યના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે.
હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ મંગળવારે ગાંધીનગરનું મહત્તમ તાપમાન ૩૫.૪, રાજકોટનું ૩૫.૧, અમદાવાદનું ૩૪.૬, ડીસાનું ૩૫.૧, ભુજનું ૩૪.૭ તેમજ સુરતનું 33.૨ જેટલું નોંધાયું હતું. તે ઉપરાંત રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાંમાં સીધો જ બેથી ત્રણ ડિગ્રી જેટલો ફેરફાર નોંધાયો હતો. ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન ૧૯.૫, રાજકોટનું ૧૯.૫, અમદાવાદનું ૨૦.૬, ડીસાનું ૨૦, ભુજનું ૨૦.૫ તેમજ સુરતનું ૨૧.૨ જેટલું નોંધાયું હતું.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજનું હવામાન શુષ્ક રહેશે. જમ્મુ કાશ્મીર સહિત ઉત્તરનાં રાજ્યોમાં ૧૦ થી ૧૨ માર્ચ દરમિયાન હિમવર્ષાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને તળે સોમવારથી કાશ્મીરના ગુલમર્ગ સહિતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ હતી. જમ્મુ કાશ્મીરનાં શ્રીનગર સહિત તમામ ખીણ પ્રદેશનાં વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. આ ક્રમ મંગળવારે બીજા દિવસે પણ યથાવત રહ્યો હતો.