પાકિસ્તાનમાં હાલમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થઈ રહ્યું છે ત્યારે ફાઈનલ મેચ પહેલા જ એક મોટો આતંકી હુમલો થયાની માહિતી સામે આવી છે. અહીં ખૈબર પખ્તૂનખ્વાંમાં બન્નૂ આર્મી કેન્ટોનમેન્ટના બાહ્ય વિસ્તારમાં બે ભીષણ બોમ્બ વિસ્ફોટ થયા બાદ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લેતા આતંકીઓ સાથે ભારે અથડામણની સ્થિતિ સર્જાઈ હતી. આ હુમલો પૂર્વાયોજિત હોવાનું અનુમાન છે.
સુરક્ષાદળો અને હુમલાખોરો વચ્ચે સર્જાયેલી અથડામણમાં ઓછામાં ઓછા ૯ લોકો માર્યા ગયા હતા અને ૩૫ થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. આ આતંકી હુમલા પાછળ જૈશ ઉલ ફુરસાન સંગઠનનો હાથ હોવાની જાણકારી છે. આ સંગઠન પાકિસ્તાની સૈન્યના ગઠબંધન હાફિઝ ઉલ બહાદુરનો હિસ્સો રહે છે અને તાજેતરમાં જ આ સંગઠને ટીટીપી સાથે હાથ મિલાવ્યા હતા.
આતંકીઓએ બે કાર બોમ્બનો ઉપયોગ કર્યો હતો જેથી સુરક્ષાદળોનું ધ્યાન ભટકાવી શકાય. તેના પછી તાત્કાલિક ટારગેટેડ હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલો રમઝાન મહિનામાં રોઝા ખોલવા માટે ઈફ્તારની તાત્કાલિક બાદ કરવામાં આવ્યા હતા. અહીં આર્મી કેન્ટના સુરક્ષા બેરિયર પર હુમલો કરાયો હતો. આ હુમલામાં ૫ થી ૬ આતંકીઓ સામેલ હોવાની જાણકારી મળી હતી.