પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ઉત્તરાખંડમાં સોનપ્રયાગથી કેદારનાથ સુધી ૧૨.૯ કિલોમીટર લાંબા રોપ-વે પ્રોજેક્ટના વિકાસને મંજૂરી આપી.
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આજે એટલે કે બુધવારે (૫ માર્ચ ૨૦૨૫) ઉત્તરાખંડને મોટી ભેટ મળી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ઉત્તરાખંડના સોનપ્રયાગથી કેદારનાથ સુધી ૧૨.૯ કિલોમીટર લાંબા રોપ-વે પ્રોજેક્ટને વિકસિત કરવાની મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આનો સૌથી મોટો ફાયદો એ થશે કે જે યાત્રામાં લગભગ ૮-૯ કલાકનો સમય લાગતો હતો તે હવે ઘટીને માત્ર ૩૬ મિનિટ થઈ જશે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આજે ૧૨.૯ કિલોમીટરનો રોપ-વે બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આનો સૌથી મોટો ફાયદો એ થશે કે આજે જે યાત્રા આઠથી નવ કલાકની થાય છે તે ઘટીને માત્ર ૩૬ મિનિટ થઈ જશે. દરેક ગંડોલાની ક્ષમતા ૩૬ લોકોની હશે. ઓસ્ટ્રિયા અને ફ્રાન્સના નિષ્ણાંતોની મદદથી આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે.
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટની કિંમત લગભગ ૪,૦૮૧ કરોડ રૂપિયા હશે અને ૧૨ જ્યોતિર્લિંગોમાંથી એક જ્યોતિર્લિંગ છે, જે કેદારનાથ જી છે. મોટી સંખ્યામાં ભક્તો ત્યાં જાય છે. તેમના માટે આ પ્રોજેક્ટ ચારધામની આ યાત્રામાં માઇલસ્ટોન સાબિત થશે. ગયા વર્ષે લગભગ ૨૩ લાખ યાત્રાળુઓએ કેદારનાથની મુલાકાત લીધી હતી. જ્યારે આ પ્રોજેક્ટનું નિર્માણ થશે, ત્યારે તેના માટે લાગતા કુલ સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે.
૩,૫૮૩ મીટરની ઉંચાઇ પર આવેલા ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગોમાંથી એક કેદારનાથ મંદિરની યાત્રા ગૌરીકુંડથી ૧૬ કિમીની પડકારજનક ચઢાઇ છે. હાલમાં તે પગપાળા, ખચ્ચર, પાલખી અને હેલિકોપ્ટર દ્વારા પૂર્ણ થાય છે. પ્રસ્તાવિત રોપ-વેનું આયોજન મંદિરમાં આવતા યાત્રાળુઓને સુવિધા પ્રદાન કરવા અને સોનપ્રયાગ અને કેદારનાથ વચ્ચે તમામ ઋતુમાં કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવ્યું છે.
મોદી કેબિનેટે હેમકુંડ સાહિબ રોપ-વે પ્રોજેક્ટને પણ મંજૂરી આપી દીધી છે. તેના પર ૨,૭૩૦.૧૩ કરોડનો ખર્ચ થશે. ૧૨.૪ કિલોમીટર લાંબો આ પ્રોજેક્ટ હેમકુંડ સાહિબને ગોવિંદઘાટ સાથે જોડશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે મંત્રીમંડળે પર્વતમાલા પ્રોજેક્ટ અંતર્ગત ઉત્તરાખંડમાં ગોવિંદઘાટથી હેમકુંડ સાહિબ જી સુધી ૧૨.૪ કિલોમીટર લાંબા રોપ-વે પ્રોજેક્ટનાં વિકાસને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ ૨,૭૩૦.૧૩ કરોડ રૂપિયા છે. આ પ્રોજેક્ટથી હેમકુંડ સાહિબ અને વેલી ઓફ ફ્લાવર્સ સુધીની યાત્રા થઇ શકશે.