આવતીકાલે વધુ એકવાર પીએમ મોદી ગુજરાતની મુલાકાતે આવનાર છે, ત્યારે સુરત ખાતે ૩ કિમીનો રોડ શો યોજાનાર છે.
૭ દિવસમાં જ ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવનાર છે. ત્યારે તેમના પ્રવાસને લઇ તમામ આયોજન કરી દેવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ આવતીકાલે સુરતમાં પ્રધાનમંત્રી મોદીનો રોડ શો યોજાશે. જેમાં પર્વત પાટિયાથી લિંબાયત નીલગીરી સુધી ૩ કિમીનો રોડ શો યોજાનાર છે. ત્યારે તેમના આગમનને લઇ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત પર્વત પાટિયા વિસ્તારમાં દોઢ કરોડના ખર્ચે હેલિપેડ બનાવવામાં આવ્યું છે. જેમાં એરપોર્ટથી પર્વત પાટિયા સુધી હેલિકોપ્ટરમાં રિહર્સલ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીને લઇ સુરત શહેરમાં BRTS બસના ૨૨ રૂટ બંધ કરવામાં આવ્યા છે.
શુક્રવારે સાંજે ૦૪:૦૦થી ૦૬:૦૦ વાગ્યા સુધી લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ ખાતે લાભાર્થીઓ માટેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૨ લાખથી વધુ લાભાર્થીઓને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ આવરી લેવાની સાથે વિશાળ જનસભાને સંબોધિત કરાશે. જોકે, તેમાં પહેલા રાજ્યના પુરવઠા મંત્રી, બાદમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને ત્યાર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે.