ગરમી ૩૯ ડિગ્રીએ પહોંચી શકે છે રવિ, સોમ, મંગળ મુંબઈ-થાણે-રાયગડમાં હીટ વેવ…
આજથી મુંબઈ, થાણે અને રાયગડ જિલ્લા માટે સતત ત્રણ દિવસ માટે હવામાન ખાતાએ હીટ વેવની ચેતવણી આપી છે. તાપમાનનો પારો ૩૭થી ૩૯ ડિગ્રી સુધી જઈ શકે છે. તેથી ઘરની બહાર નીકળતા સમયે સાવચેતી રાખવાની અપીલ હવામાન ખાતાએ નાગરિકોને કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ મુંબઈ, થાણે અને રાયગડ જિલ્લામાં અલગ-અલગ વિસ્તારોમાં તાપમાનનો પારો ઊંચો જઈ શકે છે. બુધવાર ૧૨ માર્ચથી ગરમ અને ભેજવાળી હવામાનની સ્થિતિ ફરી શરૂ થશે. આ દરમ્યાન શનિવારે સાંતાક્રુઝમાં મહત્ત તાપમાન ૩૫.૪ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા ત્રણ ડિગ્રી વધારે હતું. જયારે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા ૨.૯ ડિગ્રી વધારે હતું. તો થાણેમાં મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી નોંધાયું હતું.
મુંબઈ, થાણે અને રાયગડમાં મંગળવાર સુધી હીટ વેવની હવામાનની ચેતવણી છે, તેથી નાગરિકોને સાવચેતી રાખવાની અપીલ પણ કરવામાં આવી છે. પૂરતા પ્રમાણમાં પાણી પીવાની સાથે જ આવશ્યક કામ ના હોય તો બપોરના તડકામાં બહાર નીકળવાનું ટાળવાની સૂચના પણ હવામાન વિભાગે આપી છે.
આ દરમ્યાન રાજ્યમાં પણ વિદર્ભ સહિતના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે. માર્ચ મહિનાની આકરી ગરમી રાજ્યના મોટાભાગના જિલ્લામાં પડી રહી છે. રાજ્યના હિલ સ્ટેશન ગણાતા મહાબળેશ્ર્વરમાં પણ મહત્તમ તાપમાનનો પારો ૩૨.૮ ડિગ્રી નોંધાયો હતો. તો સૌથી ઊંચું તાપમાન મધ્ય મહારાષ્ટ્રના લોહગાવમાં ૩૯.૫ ડિગ્રી નોંધાયું હતું.
હોળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જ ગુજરાત રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રારંભ થઈ ગયો છે. ગુજરાત રાજ્યમાં બપોરના સમયે ગરમી ધીમે ધીમે વધી રહી છે. ૮ જિલ્લામાં તાપમાનનો પારો ૩૮ ડિગ્રીને પાર થઈ ગયો છે. રાજક્ટોમાં સૌથી વધુ તાપમાન ૩૯.૩ ડિગ્રી નોંધાયું હતું. રાજ્યમાં ગરમીનો રાઉન્ડ શરૂ થશે સાથે સાથે રાજ્યમાં ગરમીનો પારો ૩૭ થી ૩૮ રહેવાનું અનુમાન છે,આગામી 5 દિવસમાં તાપમાન ૩ થી ૫ ડિગ્રી વધશે તો ૯ થી ૧૧ માર્ચ દરિયાકાંઠે ગરમ, ભેજવાળા પવન ફૂંકાય તેવી શકયતાઓ સેવાઈ રહી છે. સીઝનના પ્રથમ હીટવેવની શરૂઆત થઈ ગઈ છે.