The Big Bull : મધ્યમ વર્ગની મહત્ત્વકાંક્ષાનું ઉદાહરણ કે પછી સિસ્ટમ સામે સવાલ

 

રેટિંગ 3.5/5
કલાકારો અભિષેક બચ્ચન, ઈલિયા ડીક્રૂઝ, સૌરભ શુક્લા, સોહમ શાહ
ડિરેક્ટર કૂકી ગુલાટી
પ્રોડ્યૂસર અજય દેવગન, આનંદ પંડિત
સંગીત સંદીપ શિરોડકર​​​​​​​​​​​​​​

હર્ષદ મહેતા પ્રકરણથી પ્રેરિત ‘ધ બિગ બુલ’ મધ્યમવર્ગીય પરિવારની વાત છે. આ વર્ગના કેટલાંક લોકો નાઈન ટૂ ફાઈવ જોબમાં વિશ્વાસ કરતાં નથી. આ એ લોકોની વાત છે, જે ઉદ્યમી બનાવા ઈચ્છે છે. કોઈની નોકરી કરવા માગતા નથી, પરંતુ નોકરી આપવા ઈચ્છે છે. હર્ષદ મહેતાએ આ બધું 30 વર્ષ પહેલાં કરવાનો પ્રયાસ કર્યો હતો. આજે બેકારીમાં સપડાયેલા યુવાનોને સરકાર જોબ આપનાર બનવાની અપીલ કરે છે. હર્ષદ મહેતા એક અન્ય બાબત પર પણ ઈશારો કરે છે કે સૌથી મોટી તાકત પૈસા કે પાવર નથી. શક્તિનું કેન્દ્ર તો માહિતીમાં છે. જેની પાસે અર્થ અથવા રાજકીય જગતની અંદરની વાત છે, તે સર્વશક્તિમાન છે. ફિલ્મ સરકાર પર પણ સવાલો ઊભા કરે છે.

‘ધ બિગ બુલ’ 90ના દાયકા પર આધારિત છે. તે સમયે ભારતીય અર્થતંત્રમાં મોટો બદલાવ આવવાનો હતો. તે સમયે ચાલીમાં રહેતો હીરો હેમંત શાહ તત્કાલીન બેંકિગ સિસ્ટમના લૂપહોલનો ફાયદો ઉઠાવીને કેવી રીતે શૅર માર્કેટનો અમિતાભ બચ્ચન બની જાય છે. ફિલ્મની રસપ્રદ વાત એ છે કે આ શૅર માર્કેટના શહેશશાહનો રોલ બિગ બીનો દીકરો અભિષેક બચ્ચન નિભાવી રહ્યો છે. પાત્રો પર અભિષેક બચ્ચનની પકડ કેવી છે, તે આપણે ‘ગુરુ’માં જોયું છે. અહીંયા હેમંત શાહના વિચારો, નિર્ણયો, બેચેની, મહત્ત્વકાંક્ષાઓને ઘણી જ સારી રીતે રજૂ કર્યું છે. ‘ગુરુ’માં ગુરુકાંત દેસાઈમાં અભિષેક આક્રમક તથા લાઉડ હતો. અહીંયા હેમંત શાહ શાંત તથા સંયમ છે. હેમંતના ભાઈ વિરેનના રોલમાં સોહમ શાહ છે. તેણે પોતાના હાવભાવથી અલગ ઈમેજ ઊભી કરી છે. હેમંતના વિરોધી મન્નુભાઈના રોલમાં સૌરભ શુક્લા છે.

સૌરભે ‘જોલી LLB’ના જજ ત્રિપાઠી જેવી અસર મૂકવામાં નિષ્ફળ રહ્યો છે. પાત્ર સાથે ડાઉનપ્લે કર્યું હોય એમ લાગે છે. પત્રકાર બનેલી મીરા રાવ એટલે કે ઈલિયાના ડિક્રૂઝ, હેમંતની પત્નીના રોલમાં નિકિતા દત્તા તથા અન્ય કલાકારો પણ નબળા છે. ગીતો પરિસ્થિતિ પ્રમાણે સારા છે.

ડિરેક્ટર કૂકી ગુલાટીએ ફિલ્મની વાર્તા તથા પટકાથ અર્જુન ધવન સાથે મળીને લખી છે. સંવાદો રિતેશ શાહે લખ્યા છે. કૂકી, અર્જુન તથા રિતેશે સાથે મળીને સરકાર સામે સવાલ પણ ઊભા કર્યા છે. સિસ્ટમ મિડલ ક્લાસને શોર્ટ કટ રીતે પૈસાદાર બનવા નથી દેતી, પરંતુ રાજકારણી તથા ખંધા બિઝનેસમેન વર્ષોથી આ રીતે પૈસા કમાઈ રહ્યા છે. કૂકી, અર્જુન તથા રિતેશ ત્રણ સવાલો પૂછે છે, જો મિડલ ક્લાસ શોર્ટ કટ અપનાવીને તેમાં સફળ થાય તો તે ગુનો છે? એવા લૂપહોલ્સ જ કેમ છે, જ્યાં પરપોટો પણ ઈકોનોમિક પાવર હોવાનો અહેસાસ આપવા લાગે છે? ‘ધ બિગ બુલ’ સિસ્ટમ તથા સમાજને પોતાની અંદર જોવાની તથા એવા સવાલોનો જવાબ શોધવાનો પ્રયાસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *