પાકિસ્તાનના બલુચિસ્તાનમાં જાફર એક્સપ્રેસ ટ્રેન હાઈજેક કરવા અંગે સસ્પેન્સ હજુ પણ યથાવત્ છે. પાકિસ્તાની સેનાનું કહેવું છે કે બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. બીજી તરફ, બલૂચ લિબરેશન આર્મી (BLA) તરફથી તાજેતરનું નિવેદન દર્શાવે છે કે ૧૫૪ થી વધુ લોકોને તેમણે હજુ પણ બંધક બનાવી રાખ્યા છે.
બુધવારે રાત્રે પાકિસ્તાનના ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) ના ડિરેક્ટર જનરલ અહેમદ શરીફ ચૌધરીએ કહ્યું હતું કે તમામ બંધકોને બચાવી લેવામાં આવ્યા છે અને ૩૩ BLA બળવાખોરોને મારી નાખવામાં આવ્યા છે. રેસ્ક્યૂ ઓપરેશનમાં પાકિસ્તાની સેનાએ વાયુસેના, ફ્રન્ટિયર કોર્પ્સ (FC) અને સ્પેશિયલ સર્વિસ ગ્રુપ (SSG) ના સહયોગથી બોલાનમાં ટ્રેન પર હુમલો કરનારા ૩૩ આતંકવાદીઓને ઠાર માર્યા હતા અને તમામ બંધકોને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા. જોકે આ ઘટનામાં ૨૧ મુસાફરોના મોત થયાનો પણ દાવો કરાયો હતો.
પાકિસ્તાની વહીવટીતંત્રના નિવેદન પછી તરત જ બલૂચ લિબરેશન આર્મીએ દાવો કર્યો હતો કે અમારા કબજામાં હજુ પણ ૧૫૦ થી વધુ પાકિસ્તાની નાગરિકો છે. જેમને BLA દ્વારા બંધક બનાવવામાં આવ્યા છે. BLA એ જણાવ્યું હતું કે ટ્રેનમાં કુલ ૪૨૬ મુસાફરો હતા, જેમાં ૨૧૪ સૈન્ય કર્મચારીઓનો સમાવેશ થતો હતો. ટ્રેન અપહરણના પહેલા કલાકમાં જ ૨૧૨ મુસાફરોને મુક્ત કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં ૪૦ પાકિસ્તાની સૈનિકો અને ૬૦ બંધકો માર્યા ગયા છે.
બીએલએનો દાવો છે કે પાકિસ્તાને ૧૬ વખત બંધકોને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો જેમાં ૬૩ પાકિસ્તાની સૈનિકો ઘાયલ થયા હતા. BLA નો દાવો છે કે તેમની પાસે હજુ પણ ૧૫૪ થી વધુ પાકિસ્તાની નાગરિકો છે, જેમને તેમણે બંધક બનાવ્યા છે. BLA એ એમ પણ કહ્યું કે આ સમય દરમિયાન તેના ત્રણ લડવૈયા પણ માર્યા ગયા. BLA એ પાકિસ્તાનની શાહબાઝ સરકારને ચેતવણી આપી હતી કે હાઇજેક થયાને ૨૪ કલાકથી વધુ સમય વીતી ગયો છે અને હવે પાકિસ્તાની સેના પાસે અમારી માંગણીઓ પૂર્ણ કરવા માટે ફક્ત ૧૮ કલાક બાકી છે.