પાકને મીણબત્તીથી ગરમી આપી ઝાકળથી બચાવવા પ્રયાસઃ ગ્લોબલ વોર્મિંગે આખી દુનિયાના તાપમાનમાં મોટું પરિવર્તન લાવી દીધું છે. યુરોપમાં હાલના દિવસોમાં ભારે ઠંડી પડી રહી છે. ફ્રાન્સની પણ આવી જ હાલત છે. એક તરફ, લોકો ઠંડીથી પરેશાન છે ત્યાં બીજી તરફ, પાક પર પણ ઝાકળનો ખતરો મંડરાઈ રહ્યો છે. એટલા માટે જ ફ્રાન્સના અનેક ખેડૂતો ઠંડીવિરોધી મીણબત્તીની ગરમીથી પાકને બચાવવા પ્રયાસ કરી રહ્યા છે. તસવીર એવા જ એક ખેતરની છે. મીણબત્તીથી નીકળતી ગરમી પાક પર બરફને જામવા દેતી નથી અને એનાથી વૃક્ષો અને છોડવા બચી જાય છે. 6 લિટરની હોય છે આ એક ઠંડીવિરોધી મીણબત્તી. એને બનાવવા માટે કોઈ ઘાતક કેમિકલનો પ્રયોગ કરાતો નથી, પણ ફક્ત પેરાફિન વેક્સનો જ પ્રયોગ કરાય છે. એક હેક્ટરમાં 350થી 400 મીણબત્તીઓ લગાવાય છે. દરેક મીણબત્તી 25.5 મેગાજુલ પ્રતિ કલાક ઉષ્મા પેદા કરે છે.
જીવ બચાવવા પ્રાણવાયુ માટે પડાપડી

પેરુની રાજધાની લિમામાં કોરોનાના દર્દીઓની સારવાર માટે મેડિકલ ઓક્સિજનની ભારે અછત વચ્ચે વિલા અલ સાલ્વાડોરમાં આ ઓક્સિજનના ખાલી સિલિન્ડર ભરાવવા લોકો શોપ ખૂલે એ પહેલાં જ આ રીતે શોપની બહાર ખાલી સિલિન્ડર્સની લાઇન લગાવી દે છે.
‘ફોટો ઑફ ધ યર’ અવાૅર્ડની જાહેરાત

સોસાયટીઝ ઑફ ફોટોગ્રાફર્સે વર્ષ 2021ના ‘ફોટો ઑફ ધ યર’ અવાૅર્ડની જાહેરાત કરી દીધી છે. અંદાજે 10 હજાર તસવીરમાંથી લેન્ડસ્કેપ કેટેગરીમાં રોમાનિયાની ફોટોગ્રાફર ડાયના બુજોઇઆનુની દક્ષિણ-પૂર્વ ઇંગ્લેન્ડના નૉરફ્લૉકના દરિયાકાંઠાની ડ્રોનથી લેવાયેલી તસવીરને વિજેતા તરીકે પસંદ કરાઇ.

ન્યૂબોર્ન કેટેગરીમાં પ્રોફેશનલ ફોટોગ્રાફર રેચેન બર્ટન તથા વૅડિંગ કેટેગરીમાં ગિયૂસ્પે કોરેન્ટીની તસવીર સર્વશ્રેષ્ઠ તરીકે પસંદ કરાઈ. સોસાયટીના ડાયરેક્ટર કૉલિન ડોન્સના જણાવ્યાનુસાર એન્ટ્રી તરીકે કુલ 9,804 તસવીર મળી, જેમાંથી વિનર્સની પસંદગી કરાઈ.