હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કાશ્મીર ખીણમાં ઘણી જગ્યાએ મધ્યમથી ભારે વરસાદ અને હિમવર્ષા ચાલુ રહેશે. ૧૪ અને ૧૫ માર્ચે પણ ઘણા વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને વરસાદની શક્યતા છે
૨૪ કલાકથી કાશ્મીર ખીણમાં સતત વરસાદ અને હિમવર્ષા ચાલુ છે. જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી ૩૬ કલાકમાં મધ્યમથી ભારે હિમવર્ષાની આગાહી કરી છે અને ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. ૧૪ થી ૧૬ માર્ચ સુધી હવામાન ખરાબ રહેવાની ધારણા છે. જેના કારણે ટ્રાફિક અને દૈનિક પ્રવૃત્તિઓ પ્રભાવિત થઈ શકે છે. છેલ્લા ૨૪ કલાકમાં, ગુલમર્ગ સ્કી રિસોર્ટ સહિત કાશ્મીર ખીણના ઊંચા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ છે. આના કારણે પ્રવાસીઓને બરફવર્ષાનો આનંદ માણવાની તક મળી. સાથે જ સ્થાનિક લોકોની સમસ્યાઓ પણ વધી ગઈ. લદ્દાખના લેહ, કારગિલ, દ્રાસ અને તાંગસ્ટેમાં પણ બરફવર્ષા નોંધાઈ હતી, જેના કારણે તાપમાનમાં તીવ્ર ઘટાડો થયો હતો.

હવામાન વિભાગે ખેડૂતોને ખેતી સંબંધિત કામો ૧૮ માર્ચ સુધી મુલતવી રાખવા અપીલ કરી છે. કારણ કે વરસાદ અને હિમવર્ષા પાકને નુકસાન પહોંચાડી શકે છે. આ ઉપરાંત, પહાડી વિસ્તારોમાં રહેતા લોકોને પણ સતર્ક રહેવા અને હિમપ્રપાતની સંભાવના ધરાવતા વિસ્તારોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.
સતત વરસાદ અને હિમવર્ષાને કારણે ખીણમાં ઠંડીની તીવ્રતા વધી ગઈ છે. દિવસ અને રાત્રિનું તાપમાન સામાન્ય કરતા ઘણું નીચે ગયું છે. જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન નિષ્ણાતોના મતે, આગામી થોડા દિવસો સુધી કાશ્મીરમાં ઠંડી વધુ વધી શકે છે.