રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે ગુરુવારે એક પરિપત્ર જાહેર કરીને પોતાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને ૩૧ માર્ચ સુધીમાં સ્થાવર અને જંગમ મિલકતો સરકારના કર્મયોગી પોર્ટલ પર અપડેટ કરવાની સૂચના આપી છે. જો કોઈ અધિકારી કે કર્મચારી આમ કરવામાં નિષ્ફળ રહેશે તો તેમને આવતા એપ્રિલ મહિનામાં ચૂકવાતો માર્ચ મહિનાનો પગાર નહીં મળે. કર્મચારી અને અધિકારીઓએ ૧ જાન્યુઆરી ૨૦૨૪ થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન તેઓ અને તેમનો પરિવાર કેટલી સ્થાવર અને જંગમ મિલકત ધરાવે છે તે જાહેર કરવું પડશે.
૩૧ માર્ચ બાદ જ્યાં સુધી તેમની મિલકત જાહેર નહીં કરે ત્યાં સુધી તેમને પગાર ચૂકવવામાં નહીં આવે. આ પહેલા સરકારે ૭ જાન્યુઆરીના રોજ પરિપત્ર બહાર પાડીને વર્ગ ૩ કર્મચારીઓને જણાવ્યું હતું કે, તેમણે વર્ગ ૧ અને વર્ગ ૨ ના ગેઝેટેડ ઓફિસરની જેમ પોતાના મિલકત પત્રક દર વર્ષે ભરવાના રહેશે. આ માટે દર વર્ષની ૩૧ જાન્યુઆરી અંતિમ દિવસ રહેશે.
પહેલા માત્ર ગેઝેટેડ ઓફિસરોને જ આ વિગતો જાહેર કરવી પડતી હતી. પરંતુ ગત વર્ષે સરકારે જાહેરાનામું બહાર પાડીને નિયમમાં સુધારો કર્યો હતો. વર્ગ ૩ ના ફિક્સ પગારધારક સહિતના કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે.