અમદાવાદ શહેરમાં સાબરમતી નદી પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજ્યનો સૌપ્રથમ રબર કમ બેરેજ બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રૂ.૩૬૭ કરોડના ખર્ચે બની રહેલા આ બ્રિજ પર થઈ સાબરમતીથી સદર બજાર થઈને સીધા એરપોર્ટ જઈ શકાશે. સાબરમતી અચેરથી પૂર્વ તરફ કેમ્પ સદર બજાર વચ્ચે એક કિલોમીટરનો ૧૦૪૮.૦૮ મીટર લંબાઈનો સિકસલેન બેરેજ કમ બ્રિજ બનાવાશે. બ્રિજની બંને બાજુએ મુખ્ય બ્રિજ સુધી કનેક્ટ કરતા પૂર્વ અને પશ્ચિમ કાંઠે રિવરફ્રન્ટ રોડમાંથી એપ્રોચ બ્રિજ બનાવાશે. એપ્રિલ-૨૦૨૭ સુધીમાં પ્રોજેક્ટ પુરો થવાની સંભાવના છે.
આ બ્રિજ બનવાના કારણે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના લોકોને મોટો ફાયદો થશે. ઉત્તર ગુજરાત, સાબરમતી, ચાંદખેડા તરફથી આવતા લોકોને સીધા હવે એરપોર્ટ અથવા પૂર્વ વિસ્તાર તરફ જવું હોય તો આ બ્રિજ ઉપરથી પસાર થઈ શકાશે. સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ફેઝ-૨ અંતર્ગત પશ્ચિમ કાંઠે અચેરથી પૂર્વ કાંઠે કેમ્પ સદર બજાર વચ્ચે છ લેનનો બેરેજ કમ બ્રિજ બને છે, જે ૧૦૪૭ મીટર લાંબો છે. બંન્ને બાજુએ મુખ્ય બ્રિજ સુધી કનેક્ટ કરતા પૂર્વ તેમજ પશ્ચિમ કાંઠે રિવરફ્રન્ટ રોડમાંથી એપ્રોચ બ્રિજ બનાવવામાં આવશે.
પશ્ચિમે ટોરેન્ટ પાવર સ્ટેશન (બીઆરટીએસ રોડ)થી પૂર્વે કેમ્પ સદર બજાર (એરપોર્ટ રોડ)ના બંને રસ્તાઓને જોડતો બ્રિજ બનવાનાં કારણે શહેરનાં પશ્ચિમ વિસ્તારો જેવા કે ચાંદખેડા, સાબરમતી, મોટેરા અને પૂર્વના હાંસોલ તથા એરપોર્ટ સાથે સીધી કનેક્ટિવિટી મળશે. જેથી ટ્રાફિક સમસ્યા ઘણી જ હળવી બનશે.