વૈશ્વિક બજારમાં પ્રવર્તતી ટેરિફ વૉરની ગતિવિધિ સહિતના અન્ય અહેવાલો પાછળ સોનું ઉછળીને ૩૦૦૦ ડૉલરની સપાટી કૂદાવી ગયાના અહેવાલો પાછળ અમદાવાદ સોના-ચાંદી બજારમાં સોનામાં રૂ. ૧૩૦૦ નો ઉછાળો નોંધાતા ૯૯.૯ સોનાના ભાવ રૂ. ૯૦૦૦૦ ની સપાટી કૂદાવીને રૂ. ૯૦૭૦૦ ની નવી ટોચે પહોંચ્યા હતા. બીજી તરફ ચાંદીમાં પણ તેજીનો માહોલ ચાલુ રહ્યો હતો. જો કે, વૈશ્વિક બજારમાં સોનામાં ઉંચા મથાળેથી પીછેહઠ થતા ત્યાં સોનું ઘટીને ૨૯૭૮ ડૉલર બોલાતું હતું. દરમિયાન મુંબઈ બુલિયન બજારમાં ગઈકાલે ધૂળેટીના દિવસે ચાંદી ઉછળીને રૂ. ૧૦૦૭૫૦ ની ટોચે પહોંચી ગઈ હતી જે ઘટીને રૂ. ૯૯૬૫૦ બોલાતી હતી
.
અમદાવાદ સોના-ચાંદી બજારમાં ગઈકાલની ધૂળેટીની રજા બાદ કામકાજ શરૂ થયા હતા જેમાં અમદાવાદમાં સોનું (૯૯.૯) રૂ. ૧૩૦૦ ઉછળીને ૯૦૭૦૦ ની ઉંચી સપાટીએ પહોંચી ગયું હતું. જ્યારે સોનું (૯૯.૫) પણ ઉછળીને રૂ. ૯૦૪૦૦ ની સપાટીએ બંધ રહ્યું હતું. જ્યારે ચાંદી રૂ. ૧૦૦૦ ઉછળીને ૯૯૦૦૦ની સપાટીએ બંધ રહી હતી.
મુંબઈ ઝવેરી બજારમાં શનિવારના કારણે બુલિયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જો કે બંધ બજારે સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજીને બ્રેક વાગતાં વિશ્વ બજાર પાછળ ભાવ ટોચ પરથી પ્રત્યાઘાતી ઘટાડા પર રહ્યાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. વિશ્વ બજારના સમાચાર ઉછાળે ફંડોનું સેલીંગ બતાવતા હતા. વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડોની વેચવાલી દેખાઈ હતી.
મુંબઈ બુલિયન બજારમાં બંધ બજારે સોનાના ભાવ જીએસટી વગર ૧૦ ગ્રામના ૯૯૫ ના રૂ.૮૮૫૦૦ વાળા રૂ.૮૭૬૦૦ તથા ૯૯૯ ના રૂ.૮૮૮૦૦ વાળા રૂ.૮૭૯૦૦ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર કિલોના રૂ.૧૦૦૭૫૦ વાળા રૂ.૯૯૬૫૦ બોલાઈ રહ્યા હતા.
વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના જે શુક્રવારે ઉંચામાં ૩૦૦૪ થી ૩૦૦૫ ડોલર થઈ ગયા હતા તે શનિવારે ઘટી સપ્તાહના અંતે નીચામાં ૨૯૭૮ થઈ છેલ્લે ભાવ ૨૯૮૪ થી ૨૯૮૫ ડોલર રહ્યાના સમાચાર હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદી ઉંચામાં ૩૪.૦૮ થઈ ફરી ઘટી નીચામાં ૩૩.૫૩ થઈ છેલ્લે ભાવ ૩૩.૭૯ થી ૩૩.૮૦ ડોલર રહ્યા હતા.
દેશમાં આયાત થતા સોના-ચાંદીમાં ઈમ્પોર્ટ ડયુટી ગણવા બેન્ચમાર્ક તરીકે વપરાતી ટેરીૂફ વેલ્યુમાં સરકારે વૃદ્ધિ કર્યાના સમાચાર મળ્યા હતા. આના પગલે કિંમતી ધાતુઓની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં તેટલા પ્રમાણમાં વૃદ્ધિ થઈ છે. આવી ટેરીફ વેલ્યુ ડોલરના સંદર્ભમાં સોનામાં ૧૦ ગ્રામદીઠ ૯૨૭ થી વધી ૯૪૧ ડોલર તથા ચાંદીમાં કિલોદીઠ ૧૦૨૫ થી ૧૦૬૭ ડોલર કરાયાના નિર્દેશો હતા.
વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ૯૯૭ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ છેલ્લે ૦.૭૦ % માઈનસમાં રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ બ્રેન્ટના તળિયેથી વધી બેરલના ૭૦.૭૫ થઈ છેલ્લે ભાવ ૭૦.૫૮ ડોલર રહ્યા હતા. અમેરિકા દ્વારા ટેરીફ લદાતાં કેનેડા દ્વારા અમેરિકામાં મોકલવામાં આવતા ક્રૂડતેલની સપ્લાય ઘટાડાશે એવા સમાચાર મળ્યા હતા. અમેરિકામાં ફેડરલ રિઝર્વની આવતાં વિકમાં ૧૮ તથા ૧૯ તારીખે મળનારી મિટિંગ પર બજારની નજર રહી હતી.
વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ નીચામાં ૧૦૩.૫૭ તથા ઉંચામાં ૧૦૪.૦૯ થઈ છેલ્લે ૧૦૩.૭૯ રહ્યો હતો. મુંબઈ કરન્સી બજારમાં બંધ બજારે શુક્રવારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૭ થી ઘટી રૂ.૮૬.૯૦ રહ્યા હતા તે શનિવારે ફરી વધી રૂ.૮૬.૯૮ થી ૮૬.૯૯ રહ્યા હતા.