બલૂચિસ્તાન આર્મીએ પાકિસ્તાની સેના પર હુમલો કર્યો છે. આ હુમલામાં પાક સેનાના ૯૦ સૈનિકોના મોત થયાનો BLA દાવો કર્યો છે. થોડાક દિવસ પહેલા બલૂચિસ્તાન લિબરેશન આર્મી એ પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ ટ્રેનને પણ હાઇજેક કરી હતી.
પાકિસ્તાની સેના પર બલુચ લડવૈયાઓએ ફરી હુમલો કર્યો છે. બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) દાવો કર્યો છે કે તેમના આ આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા ૯૦ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. જ્યારે પાકિસ્તાનની સરકારે આ આંકડો માત્ર સાત પર જણાવ્યો છે. હકીકતમાં બીએલએના લડવૈયાઓએ ક્વેટાથી તફતાન જઈ રહેલા પાકિસ્તાની સેનાના કાફલાને નિશાન બનાવ્યો હતો, ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. આ હુમલામાં પાકિસ્તાન સરકારનો ૭ સૈનિકાના મોતની વાત કહે છે, પરંતુ બીએલએ સતત મોટા નુકસાનની વાત કરી રહી છે.
થોડા દિવસ પહેલા બીએલએએ જાફર એક્સપ્રેસ ટ્રેનને પણ હાઇજેક કરી હતી, સરકાર અને બળવાખોરોના આંકડામાં ફરક છે. કેટલા લોકોના મોત થયા તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. પરંતુ પાકિસ્તાનમાં બલૂચ લડાકુઓ તબાહી મચાવી રહ્યા છે, બલૂચિસ્તાનમાં પણ પાક સરકાર વિરુદ્ધ આક્રોષ સાતમા આસમાને છે.
આ હુમલો ક્વેટાના ૧૫૦ કિમી દૂર નોશ્કીમાં થયો હતો. BLA પાસે અગાઉથી માહિતી હતી કે પાકિસ્તાન આર્મીનો મોટો કાફલો રવાના થયો છે, જેમાં સાત બસો અને અન્ય બે વાહનોનો પણ સમાવેશ થાય છે. બળવાખોરોએ રણનીતિના ભાગરૂપે આઈઈડી બ્લાસ્ટ કરીને પાક સેનાની બસને નિશાન બનાવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે બલૂચ લિબરેશન આર્મીના ફિદાયીન યુનિટ માજિદ બ્રિગેડે આ હુમલો કર્યો હતો.
BLA નું નામ વર્ષ ૨૦૦૦ ના દાયકાની શરૂઆતમાં ચર્ચામાં આવ્યા, જ્યારે આ સંગઠને બલુચિસ્તાનની આઝાદી માટે લડાઇ શરૂ કરી હતી. તેની સક્રિયતાને જોતા પાકિસ્તાન દ્વારા ૨૦૦૬ માં આ સંગઠન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને ૨૦૧૯ માં અમેરિકાએ તેને વૈશ્વિક આતંકવાદી સંગઠન જાહેર કર્યુ હતું.
મજીદ બ્રિગેડ BLAના આત્મઘાતી હુમલાખોરોની ટુકડી છે. આ ટુકડીનું નામ બે ભાઇઓના નામ પર રાખવામાં આવ્યું છે, જેમને મજીદ લેંગોવ કહેવામાં આવતા હતા. અલગ બલુચિસ્તાન માટે ચાલી રહેલા વિદ્રોહમાં આ બંને ભાઇનું ઇતિહાસમાં મોટું નામ છે.
મજીદ બ્રિગેડે પાછલા કેટલા વર્ષોમાં પાકિસ્તામાં મોટા હુમલા કર્યા છે. મજીદ બ્રિગેડે પોતાનો પ્રથમ આત્મઘાતી હુમલો ૩૦ ડિસેમ્બર ૨૦૧૧ માં કર્યો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા ૧૪ લોકોના મોત અને ૩૫ લોકો ઘાયલ થયા હતા. ત્યારબાદ આ સંગઠન થોડાક સમય શાંત રહ્યું પણ ૨૦૧૮ માં ફરી સક્રિય થયું. ૨૦૧૮ માં મજીદ બ્રિગેડે પાકિસ્તાન અફઘાનિસ્તાન સરહદ પાસે દલબંદિનમાં ચીનના એન્જિનિયરોની બસ પર હુમલ કર્યો. ૨૦૧૮ માં તેણે કરાચીમાં ચીનના વાણિજ્ય દુતાવાસ પર હુમલો કર્યો હતો.
૨૦૧૯ માં ગ્વાવરના પર્લ કોન્ટિનેન્ટલ હોટલ અને ૨૦૨૦ માં કરાચી સ્ટોક એક્સચેન્જ પર હુમલો કર્યો હતો. માર્ચ ૨૦૨૪ માં બલુચિસ્તાનના ગવાદર પોર્ટ નજીક હુમલો કર્યો હતો. તેમાં પાકિસ્તાનની સુરક્ષા સેનાના ઘણા સૈનિકોના મોત થયા હતા.