યુરોપના દેશ ઉત્તર મેસેડોનિયાની એક નાઇટક્લબમાં આગ લાગવાથી અનેક લોકો માર્યા ગયા હોવાની આશંકા છે.
ગૃહ મંત્રાલય પ્રમાણે આ ઘટનામાં ઓછામાં ઓછા ૫૧ લોકોનાં મોત થયાં છે.
લંડનથી બીબીસી સંવાદદાતા રશેલ હેગને તેની પુષ્ટિ કરી છે.
રવિવારે વહેલી સવારે કોસાની શહેરના એક નાઇટક્લબમાં આગ ફાટી નીકળી હતી. મેસેડોનિયાની રાજધાની સ્કોપ્જેથી આ શહેર ૧૦૦ કિમી દૂર આવેલું છે.
સોશિયલ મીડિયા પર મુકાયેલા ફૂટેજમાં જોઈ શકાય છે કે એક બિલ્ડિંગ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ છે અને તેમાંથી ધુમાડો નીકળી રહ્યો છે.
અત્યાર સુધીમાં મળેલી માહિતી અનુસાર, આ આગ રવિવારે સવારે ત્રણ વાગ્યે લાગી હતી. આ દુર્ઘટના બૅન્ડ એડીએનનાં પર્ફોર્મન્સ દરમિયાન બની હતી.
નાઇટક્લબમાં એક પબનું પર્ફૉર્મન્સ ચાલુ હતું ત્યારે આગ લાગી હતી. લગભગ ૧૫૦૦ લોકો આ કૉન્સર્ટમાં હાજર હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. શો વખતે પાઇરોટેકનિક ડિવાઇસનો ઉપયોગ કરવાના કારણે આગ લાગી તેમ માનવામાં આવે છે.
મેસેડોનિયાના આંતરિક મામલાના મંત્રી પૅન્સ તોસ્કોવ્સ્કીએ કહ્યું છે કે પ્રાથમિક અહેવાલો અનુસાર આ આગ પાયરોટેક્નિક ડિવાઇસમાંથી ઝરેલા તણખાને કારણે લાગી છે.
આ ડિવાઇસીસમાં આતશબાજી કરવા માટેની વસ્તુઓ અથવા તો ગરમી, પ્રકાશ, અવાજ અને ગૅસ કે ધુમાડાના મિશ્રણથી ઇફેક્ટ્સ તૈયાર કરવા માટેની વસ્તુઓનો સમાવેશ થતો હોય છે.
તેમણે કોસની પોલીસસ્ટેશનની બહાર પત્રકારોને જણાવ્યું હતું કે, “તણખાઓ છતને ટકરાયા હતા અને છત એ અતિશય જ્વલનશીલ પદાર્થોમાંથી બનેલી હતી. જેથી આખી ક્લબમાં આગ ફેલાઈ ગઈ. આ સંદર્ભમાં કેટલીક ધરપકડ પણ કરવામાં આવી છે.”
ફૂટેજ પરથી પણ ખ્યાલ આવે છે કે જ્યારે બૅન્ડ સ્ટેજ પર પર્ફોર્મ કરી રહ્યું હતું ત્યારે બે જ્વાળાઓ થઈ અને તેમાંથી ઝરેલા તણખાઓ છત પર પડ્યા.
કોકાનીમાં આવેલી હૉસ્પિટલમાં શરૂઆતમાં માહિતી મળી એ પ્રમાણે ૯૦ લોકોને દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી ઘણા લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. જેના કારણ હજુ મૃત્યુઆંક વધી રહ્યો છે.