મહારાષ્ટ્રના નાગપુરમાં સોમવારે(૧૭ માર્ચ, ૨૦૨૫) વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ એક મોટું આંદોલન કર્યું છે, જેમાં ઔરંગઝેબની પ્રતિકાત્મક કબરનું દહન પણ કર્યું હતું. આ ઘટનાને લઈને નાગપુરના મહલ વિસ્તારમાં અંદાજે રાત્રે સાડા આઠ આસપાસ હિંસા ભડકી છે. નાગપુરમાં બે જૂથો વચ્ચે અથડામણમાં અનેક પોલીસકર્મી ઘાયલ અને કેટલાક લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે. અનેક વાહનોમાં તોડફોડ અને આગચંપી કરવામાં આવી, પથ્થરમારો પણ કરાયો હતો. ડીસીપી નિકેતન કદમ પર કુહાડીથી હુમલો કરાયો છે. ડીસીપી સહિત ચાર પોલીસ કર્મચારી પણ ઈજાગ્રસ્ત થયા છે. જો કે, સ્થિતિને જોતા સમગ્ર વિસ્તારમાં પોલીસની ટીમો અને રેપિડ એક્શન ફોર્સ (RAF)ને પણ તૈનાત કરવામાં આવી છે. હિન્દુ સંગઠનોનું કહેવું છે કે, તેમની માગ વર્ષો જૂની છે, અને આ પ્રદર્શન તેને જઈને જ કરવામાં આવી રહ્યું છે. તેમણે આને પ્રતિકાત્મક પગલું ગણાવ્યું છે.
નાગપુરમાં હિંસા ભડકતાં કલમ ૧૬૩ લાગુ કરવામાં આવી છે. તોફાનીઓને રોકવા માટે પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા છે. પોલીસે કેટલાક તોફાનીઓને પકડ્યા છે. બીજી તરફ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નીતિન ગડકરીએ શાંતી જાળવી રાખવા માટે અપીલ કરી છે.
મુસ્લિમ સમુદાયે આ ઘટના પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, આ દરમિયાન ઉપયોગ કરાતી ચાદર પર ધાર્મિક ગ્રંથ લખ્યા હતા, જેને સળગાવવામાં આવ્યા. જેને જોતા, સમુદાયના લોકોએ મહલમાં આવેલી શિવાજીની પ્રતિમાની સામે પ્રદર્શન કર્યું. આ દરમિયાન પોલીસે પ્રદર્શનકારીઓને ત્યાંથી હટાવવાના પ્રયાસ કર્યા, પરંતુ તણાવ ઓછો ન થઈ શક્યો.
પ્રદર્શન બાદ મુસ્લિમ સમુદાયના લોકો ગણેશ પેઠ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને બજરંગ દળના કાર્યકર્તાઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવવાની માગ કરી. પોલીસે આરોપીઓની જલ્દીથી જલ્દી ધરપકડ કરીને તેમને આકરી સજા આપવાની માગ કરાઈ છે. પોલીસે મહલ વિસ્તારમાં સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે જેથી સ્થિતિને કાબૂમાં રાખી શકાય. લોકોએ આરોપ લગાવ્યો છે કે, પોલીસની હાજરીમાં પ્રદર્શનકારીઓએ આવી ઉદ્ધતતા કેવી રીતે કરી નાખી.
નાગપુરના જોઈન્ટ કમિશનર નિસાર તંબોલીએ મીડિયાને જણાવ્યું કે, પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી લીધી છે અને મામલાની તપાસ ચાલી રહી છે. તેમનું કહેવું હતું કે, પોલીસ સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને જલ્દીથી આ મામલે ગુનેગારો વિરૂદ્ધ આકરા પગલા ભરવામાં આવશે.
