જો તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવા ઇચ્છતા હોય તો તમારા માટે ટોફુ એટલે કે સોયા પનીર બનાવવાનો વ્યવસાય પણ સારો વિકલ્પ બની શકે. ટોફુ બનાવવાના પ્લાન્ટમાં થોડીક મહેનત તો છે જ. પરંતુ સૂઝબૂઝ દ્વારા તમે વ્યવસાયને બ્રાન્ડ પણ બનાવી શકો છો. સામાન્ય રીતે 3થી 4 લાખ રૂપિયાના મુડીરોકાણથી આ બિઝનેસ શરૂ થઈ શકે છે. થોડા મહિના મહેનત કર્યા બાદ તમે હજારો નહીં પરંતુ લાખો રૂપિયા કમાઇ શકો છો.
3થી 4 લાખ રૂપિયામાં શરુ થઈ જશે વ્યવસાય
ટોફુનો વ્યવસાય શરૂ કરવા માટે તમારે રૂ. 3થી 4 લાખનું મૂડીરોકાણ કરવું પડશે. જેમાં મશીનની સાથે કાચો માલ પણ સામેલ છે. બોઇલર, ઝાર, સેપરેટર અને નાના ફ્રીઝર સહિતનો સામાન રૂ. 2થી 3 લાખમાં આવી જશે. ત્યારબાદ તમારે રૂ. 1 લાખ જેટલું રોકાણ સોયાબીનની ખરીદી માટે કરવું પડશે. તમારો માલ ખરાબ ન થાય તે માટે શરૂઆતમાં ટોફુ બનાવવાના કામમાં કારીગરને પણ રાખવો પડશે.
પહેલા દૂધ બનાવવું પડશે
સામાન્ય દૂધમાંથી પનીર બનાવવા જેટલું જ સરળ કામ ટોફુ બનાવવાનું છે. બંને વચ્ચે ભેદ માત્ર એટલો છે કે, ટોફુ બનાવતા પહેલા તમારે દૂધ બનાવવું પડશે. તે માટે તમારે પહેલા સોયાબીનને પીસી તેમાં 1:7ના પ્રમાણમાં પાણી નાખી ફેટીને ઉકાળવું પડશે. બોઇલર અને ગ્રાઈન્ડરમાં એક કલાકની પ્રક્રિયાથી 4થી5 લીટર દૂધ મળે છે. ત્યાર બાદ દૂધને સેપરેટરમાં નાખવાનું રહેશે. જેમાં દહીંની જેમ દૂધ ઘાટું બની જાય છે અને વધેલું પાણી નીકળી જાય છે. 1 કલાક જેટલા સમયમાં તમને 2.5થી 3 કિલો જેટલું પનીર મળશે.
શરૂઆતમાં જ 40 હજાર કમાવવાની તક
બજારમાં ટોફુ કિલોદીઠ 300થી 400ના રૂપિયાભાવે મળે છે. તમને એક કિલો સોયાબીનમાંથી અઢી કિલો પનીર મળે છે. આવી રીતે જો તમે એક દિવસમાં 10 કિલો પનીર પણ બનાવો તો તેની કિંમત ત્રણથી ચાર હજાર રૂપિયા થાય છે. જેમાંથી તમે મજૂરી અને વિજળી સહિતનો ખર્ચ બાદ કરી 50 ટકા રકમ પણ અલગ કાઢો, તો આ હિસાબે તમને મહિને રૂ. 40 હજાર જેટલી બચત થઈ શકે છે. જો તમે દરરોજ 30થી 35 કિલો ટોફુ બનાવીને બજારમાં વેચો તો દર મહિને એકથી દોઢ લાખ રૂપિયા આરામથી કમાઈ શકો છો.
તમામ જિલ્લામાં મળે છે લોન
આ વ્યવસાય માટે જો તમારી પાસે મૂડી ન હોય તો ગભરાવાની જરૂર નથી. દરેક લઘુ ઉદ્યોગની જેમ આ ઉદ્યોગ માટે પણ લોન મળી શકે છે. તમારો પ્રોજેક્ટર જિલ્લા ઉદ્યોગ કચેરીએ બતાવવો પડશે. ત્યાર બાદ નફા અને રોકાણની ગણતરી કરી સબસીડીવાળી લોન પણ મળી જાય છે. આ માટે સમયાંતરે કેન્દ્ર અને રાજ્ય સરકારો લઘુ અને મધ્યમ ઉદ્યોગોના પ્રોજેક્ટ માટે વગર વ્યાજની અથવા તો ઓછા વ્યાજની લોન પણ મળે છે.
આ પ્રોડક્ટ આવે છે કામ
સોયા પનીર બનાવતી વખતે તમારી પાસે પેટા-પ્રોડકટ તરીકે ખલી બચે છે. જેનો ઉપયોગ બિસ્કિટ બનાવવા માટે પણ થાય છે. આ ઉપરાંત બરી પણ પેટા પ્રોડક્ટ તરીકે મળે છે. જેમાં પ્રોટીનનું પ્રમાણ ખૂબ વધુ હોય છે.