બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર તેમની વિચિત્ર હરકતોને કારણે ચર્ચાઓમાં છે. ત્યારે આવી જ બીજી એક ઘટના પ્રકાશમાં આવી છે. પટનામાં એક કાર્યક્રમમાં રાષ્ટ્રગીત દરમિયાન નીતિશ કુમાર ફરી એકવાર વિચિત્ર હરકતો કરતા જોવા મળ્યા.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનો એક વીડિયો સામે આવ્યો છે. નીતિશ કુમાર એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રીના મુખ્ય સચિવ દીપક કુમાર પણ હાજર હતા. આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રગીત શરૂ થયું, ત્યારે નીતિશ કુમાર વાત કરતા જોવા મળ્યા.

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે સીએમ નીતિશ કુમાર વારંવાર દીપક કુમારને ધક્કો મારીને કંઈક કહેવાનો પ્રયાસ કરી રહ્યા હતા જ્યારે દીપક કુમાર વારંવાર તેમની સાથે આંખોથી ઈશારા કરીને સીધા ઊભા રહેવાનું કહી રહ્યા હતા. રાષ્ટ્રગીત દરમિયાન, સીએમ નીતિશ કુમાર પણ કેટલાક લોકોનું અભિવાદન કરતા પણ દેખાઈ રહ્યા હતા.

આ અંગે આરજેડી નેતા તેજસ્વી યાદવે નીતિશ કુમાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે માનનીય મુખ્યમંત્રીશ્રી, કૃપા કરીને રાષ્ટ્રગીતનું તો અપમાન ન કરો. તેમણે કહ્યું કે યુવાનો, વિદ્યાર્થીઓ, મહિલાઓ અને વૃદ્ધોનું તો તમે રોજ અપમાન કરો જ છો, ક્યારેક મહાત્મા ગાંધીના શહીદ દિવસે તાળીઓ પાડીને તેમની શહાદતની મજાક ઉડાવો છો તો ક્યારેક રાષ્ટ્રગીતની મજાક ઉડાવો છો.
તેજસ્વીએ નીતિશ કુમાર વિશે કહ્યું કે તમને યાદ અપાવી દઉં કે તમે એક મોટા રાજ્યના મુખ્યમંત્રી છો. થોડીક સેકન્ડ માટે પણ તેમ માનસિક અને શારીરિક રીતે સ્થિર નથી અને તમારું આ રીતે અચેત અવસ્થામાં આ પદ પર રહેવું એ રાજ્ય માટે ખૂબ જ ચિંતાનો વિષય છે. બિહારનું વારંવાર આ રીતે અપમાન ન કરો.