અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા ઘણા દિવસથી ભારતને રેસિપ્રોકલ ટેરિફની ધમકીઓ આપી રહ્યા છે. એવામાં આજે કેન્દ્ર સરકારે રાજ્યસભામાં લેખિતમાં જવાબ આપ્યો છે કે અમેરિકાએ અત્યાર સુધી ભારત પર કોઈ વિશેષ ટેરિફ લગાવ્યો નથી.
ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી જિતિન પ્રસાદે લેખિતમાં ઉત્તર આપતા જણાવ્યું છે કે અમેરિકાએ દુનિયાના તમામ દેશના સ્ટીલ તથા એલ્યુમિનિયમની આયાત પર વધારાનો ટેરિફ લગાવ્યો છે જેમાં કોઈ પણ દેશને છૂટ આપવામાં આવી નથી.
સરકારે કહ્યું છે કે અમેરિકાએ ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ એક મેમોરેન્ડમ હેઠળ તપાસના આદેશ આપ્યા હતા કે પારસ્પરિક વેપારના કારણે અમેરિકાને કેટલું નુકસાન થાય છે. આ સંબંધમાં તમામ બિઝનેસ પાર્ટનરનો રિપોર્ટ તૈયાર કરાશે તથા સમાધાન શું લાવવું તેની પણ ભલામણ કરવામાં આવશે. રિપોર્ટના આધારે અમેરિકાએ આવશ્યક કાર્યવાહી કરી શકે છે. ભારત આ મુદ્દે સમીક્ષા કરી રહ્યું છે.
નોંધનીય છે કે અગાઉ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે અમેરિકા હવે રેસિપ્રોકલ ટેરિફ લગાડશે. જે દેશ અમેરિકા પર જેટલો ટેરિફ લગાડશે, તેટલો જ ટેરિફ તે દેશ પર લાગશે. ટ્રમ્પે આ માટે બીજી એપ્રિલ સુધીની ડેડલાઇન આપી છે. ટ્રમ્પે અવારનવાર ભારતનું નામ લઈને કહ્યું હતું કે ભારત અમેરિકા પર ૧૦૦ % ટેરિફ લગાડે છે.