કેન્દ્ર સરકારે સંસદ સભ્યો અને પૂર્વ સભ્યોના પગાર, દૈનિક ભથ્થાં અને પેન્શનમાં વધારો કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. સંસદીય બાબતોના મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર આ સંશોધિત પગાર ધોરણ ૧ એપ્રિલ, ૨૦૨૩ થી લાગુ થશે,
કેન્દ્ર સરકારે સંસદ સભ્યો અને પૂર્વ સભ્યોના પગાર, દૈનિક ભથ્થાં અને પેન્શનમાં વધારો કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. સંસદીય બાબતોના મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર આ સંશોધિત પગાર ધોરણ ૧ એપ્રિલ, ૨૦૨૩ થી લાગુ થશે. મોદી સરકારે મોંઘવારીને ધ્યાનમાં રાખીને સેલેરી, એલાઉન્સ અને પેન્શન ઓફ મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ એક્ટ, ૧૯૫૪ હેઠળ પગાર અને પેન્શનમાં ફેરફાર કર્યો છે.
હવે પગાર અને ભથ્થાની વાત કરીએ તો પહેલા સંસદના સભ્યોનો પગાર ૧,૦૦,૦૦૦ રૂપિયા હતો અને હવે તેને વધારીને ૧,૨૪,૦૦૦ રૂપિયા કરી દેવામાં આવ્યો છે. તેવી જ રીતે દૈનિક ભથ્થામાં પણ વધારો થયો છે. આ ૨૦૦૦ થી વધારીને ૨૫૦૦ રૂપિયા કરવામાં આવ્યું છે. સાંસદો અને પૂર્વ સભ્યો માટે માસિક પેન્શન ૨૫,૦૦૦ રૂપિયાથી વધારીને ૩૧,૦૦૦ રૂપિયા કરવામાં આવ્યું છે. આ સિવાય નવું એડિશનલ પેન્શન પહેલા દર મહિને ૨,૦૦૦ રૂપિયા હતું. જેને વધારીને ૨,૫૦૦ રૂપિયા પ્રતિ માસ કરવામાં આવ્યું છે.
સંસદના વર્તમાન બજેટ સત્ર દરમિયાન આ સુધારો કરવામાં આવ્યો છે. સાંસદોના પગાર, ભથ્થાં અને પેન્શનમાં છેલ્લે એપ્રિલ ૨૦૧૮ માં સુધારો કરવામાં આવ્યો હતો. આ વધારાની રાજ્યની તિજોરી પર નાણાકીય અસર થવાની સંભાવના છે કારણ કે ૫૪૩ લોકસભા સાંસદ, ૨૪૫ રાજ્યસભા સાંસદ અને ઘણા પૂર્વ સાંસદો છે જેમને વધેલા પેન્શનનો લાભ મળશે.
પગાર અને ભથ્થાં ઉપરાંત સાંસદોને બીજી ઘણી સુવિધાઓનો લાભ પણ મળે છે. સાંસદોને તેમના મતવિસ્તારમાં કામ માટે દર મહિને ૭૦,૦૦૦ રૂપિયા અને ઓફિસ ખર્ચ માટે દર મહિને ૬૦,૦૦૦ રૂપિયા મતવિસ્તાર ભથ્થું મળે છે. જેમાં કર્મચારીઓના પગાર, ફોન અને સ્ટેશનરીનો સમાવેશ થાય છે.