કેન્દ્ર સરકારે ડિજિટલ અસ્કયામતોને ટ્રેક કરવા માટે નવા ઇન્કમટેક્સ બિલ હેઠળ નવી કાનૂની જોગવાઈઓ લાગુ કરવાની દરખાસ્ત મૂકી છે. હાલના ઇન્કમટેક્સ એક્ટમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનની તપાસ કરવા માટે પૂરતા કાયદા અને નિયમોનો અભાવ હોવાથી સરકાર આ મુદ્દે કાયદામાં સુધારો લાવવા માંગે છે. અલબત્ત, આમ કરવાથી જનતાની પ્રાયવસી જોખમમાં મૂકાઈ જશે. વોટ્સએપ સહિતની લોકોની એક પણ ‘ચેટ’ ખાનગી નહીં રહે.
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે મંગળવાર, ૨૫ માર્ચના રોજ લોકસભામાં જણાવ્યું હતું કે, ‘ડિજિટલ અસ્કયામતોની તપાસ કરવા માટે (પૂરતું અને ઝડપી) કાયદાકીય સમર્થન મળતું નથી, તેથી અમે નવા ઇન્કમટેક્સ એક્ટમાં તેનો સમાવેશ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.’
બિનહિસાબી સંપત્તિનો પત્તો લગાવવા માટે ‘ડિજિટલ ફોરેન્સિકની ભૂમિકા પર ભાર મૂકતાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે દાવો કર્યો હતો કે, ‘વોટ્સએપના એન્ક્રિપ્ટેડ સંદેશા ટ્રેક કરીને રૂ. ૨૦૦ કરોડના બિનહિસાબી નાણાંના વ્યવહાર પકડી પાડવામાં આવ્યા છે. અધિકારીઓએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની તપાસ કરીને બિનહિસાબી નાણાં કોના છે એ અને ગૂગલ મેપ હિસ્ટ્રીના આધારે નાણાં ક્યાં છુપાવાયા હતા એ શોધી કાઢ્યું છે.’
આઇટી અધિકારીઓને કોઈ વ્યક્તિના શંકાસ્પદ નાણાંકીય વ્યવહારોની તપાસ દરમિયાન તેના ડિજિટલ ડેટા ઍક્સેસ કરવાની જરૂરિયાત ઊભી થાય તો એ માટે અલગથી મંજૂરી લેવી પડતી. એમાં સમયનો વ્યય થાય અને શંકાસ્પદ વ્યક્તિએ સમયગાળાનો દુરુપયોગ કરે એવું બનતું.
જો કે, નવી જોગવાઈ લાગુ થશે તો અધિકારીઓએ ઉપર કહી એવી મંજૂરી લેવા દસ્તાવેજોની કડાકૂટમાં નહીં પડવું પડે, સમયનો વ્યય નહીં થાય. અધિકારીઓ સીધેસીધું એન્ક્રિપ્ટેડ કોમ્યુનિકેશન્સ, ડિજિટલ એસેટ એક્સચેન્જ અને ક્લાઉડ સ્ટોરેજની તપાસ કરી શકશે, જેને લીધે ડિજિટલ ચેનલોના માધ્યમે થતી કરચોરી સામે ઝડપથી પગલાં લઈ શકાશે.
કાયદામાં નવી જોગવાઈના અમલીકરણને લીધે ક્રિપ્ટોકરન્સી સહિત કોઈપણ વર્ચ્યુઅલ અસ્કયામતો અધિકારીઓની ચકાસણીમાંથી છટકી નહીં શકે. ટેક્સ ચોરો સામેની કાયદાકીય કાર્યવાહી ઝડપી અને સરળ બનશે.
બીજો એક મહત્ત્વનો ફેરફાર મિલકતના જોડાણ બાબતે થશે. અત્યાર સુધી ટેક્સ અધિકારીઓએ સંપત્તિ જપ્ત કરતાં પહેલાં એક અલગ નોટિસ જારી કરવી પડતી હતી. હવે, તેઓ કોઈ પૂર્વ સૂચના વિના નાણાકીય ગરબડોની તપાસ વખતે તરત જ મિલકતને જોડી શકશે. આ જોડાણ છ મહિના સુધી લાગુ રહેશે, જેથી એ સમયગાળા દરમિયાન માલિક એ સંપત્તિને વેચી કે સ્થાનાંતરિત નહીં કરી શકે.
ટેક્સ કાયદામાં રજૂ કરાયેલી સુધારાની દરખાસ્ત સ્વીકારાશે તો સત્તાવાળાઓને કોઈપણ વ્યક્તિના વોટ્સએપ, ઈમેઇલ, ક્લાઉડ સ્ટોરેજ, ટેલિગ્રામ જેવા કોમ્યુનિકેશન પ્લેટફોર્મને એક્સેસ કરવાની સત્તા મળી જશે, જે વ્યક્તિની પ્રાયવસી પર સીધેસીધી તરાપ હશે. મારી, તમારી, કોઈની પણ ખાનગી વાત ખાનગી નહીં રહે. કાયદાકીય તપાસને બહાને આ જોગવાઈનો દુરુપયોગ થાય, એવું પણ બની શકે.
ઉપરોક્ત ‘ઇન્કમટેક્સ બિલ, ૨૦૨૫’ હાલમાં સંસદીય સમિતિની સમીક્ષા હેઠળ છે. સમિતિ કાયદાને અંતિમ સ્વરૂપ આપતાં પહેલાં હિતધારકોની સલાહ લેશે. છ દાયકા જૂના ‘ઇન્કમ ટેક્સ એક્ટ, 1961’માં સુધારા કરવાનો હેતુ દેશના કર માળખાને આધુનિક બનાવવાનો અને ડિજિટલ નાણાકીય વ્યવહારોમાં થતી ગરબડને પ્રકાશમાં લાવવાનો છે.