મ્યાનમારમાં ૨૮ માર્ચ, ૨૦૨૫ ના રોજ સ્થાનિક સમય મુજબ બપોરે ૧૨:૫૦ વાગ્યે ૭.૭ અને ૬.૪ ની તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપ આવ્યા. આ ભૂકંપમાં અનેક બહુમાળી ઈમારતો તૂટી પડી અને બીજા અનેક મકાનોને પણ ભારે નુકસાન થયું. આ સ્થિતિમાં સ્વિમિંગ પુલના પાણી પણ દરિયાના મોજાની જેમ ઉછળ્યા. ડરના માર્યા રહેવાસીઓ શેરીઓમાં દોડી આવ્યા હતા. મ્યાનમારના માંડલેમાં આવેલો પ્રતિષ્ઠિત અવા પુલ પણ ઈરાવદી નદીમાં તૂટી પડ્યો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ સાગાઈંગ શહેરથી ૧૬ કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં જમીનમાં દસ કિલોમીટર ઊંડાઈએ નોંધાયું હતું. આ ભૂકંપના આંચકા થાઈલેન્ડના બેંગકોકથી લઈને ભારત સુધી અનુભવાયા હતા.
મ્યાનમારનું ભૌગોલિક સ્થાન એવા સ્થળે છે જેના પેટાળમાં ‘ફોલ્ટ’ છે. એનું નામ છે ‘સાગાઇંગ ફોલ્ટ’. ભારતીય પ્લેટ (ઈન્ડિયન પ્લેટ) અને બર્મા માઈક્રોપ્લેટનું ‘મિલન’ મ્યાનમારના પેટાળમાં થાય છે. અસીમ દબાણ અનુભવતી બંને પ્લેટ પરસ્પર ઘસાતાં સતત ‘તાણ’ (ટેન્શન) સર્જાતું રહે છે. વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું છે કે બંને ભૂમિગત ભાગો દર વર્ષે લગભગ ૧૧ મિલિમીટરથી લઈને ૧૮ મિલિમીટર જેટલા સરકે છે. વર્ષો સુધી એકમેકને ધક્કો મારતી રહેતી પ્લેટ્સ વચ્ચેનું દબાણ જ્યારે અસહ્ય બની જાય છે ત્યારે ભૂકંપના રૂપમાં છૂટું પડે છે. આ જ કારણસર મ્યાનમાર ભૂકંપ પ્રત્યે સંવેદનશીલ ગણાય છે. મ્યાનમારમાં આ ફોલ્ટની લંબાઈ ૧,૨૦૦ કિલોમીટર જેટલી છે.
સાગાઈંગ ફોલ્ટ ભૂતકાળમાં ઘણાં ભૂકંપોનું કારણ બન્યો છે. ૧૯૪૬ માં અહીં ૭.૭ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં ૬૧૦ લોકો માર્યા ગયા હતા. એ અગાઉ ૧૯૩૧ ના ભૂકંપમાં અંદાજે ૫૦૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ૧૯૫૬, ૧૯૯૧ અને ૨૦૧૨ માં પણ અહીં ભૂકંપ આવ્યા હતા, પણ એમાં જાનહાનિ પ્રમાણમાં ઓછી થઈ હતી.
જે દેશના પેટાળમાં જેટલી વધુ ટેક્ટોનિક પ્લેટ્સનો સંગમ થતો હોય એટલું એ દેશ પર ભૂકંપનું જોખમ વધારે. જાપાન, ચીન અને ઈન્ડોનેશિયા એ ત્રણ દેશ ભૂકંપ પ્રત્યે સૌથી વધુ સંવેદનશીલ ગણાય છે. આ ઉપરાંત તૂર્કી, ફિલિપાઈન્સ, ઈરાન, મેક્સિકો, ઈટાલી, યુએસએ, ઈક્વાડોર, નેપાળ, પેરુ, ચિલી, પાકિસ્તાન અને ભારતને માથે પણ ભૂકંપ નામની તલવાર કાયમી લટકતી રહેતી હોય છે. આપણા દેશમાં ભૂકંપ માટે સૌથી વધુ સંવેદનશીલ વિસ્તારોમાં હિમાલય, ગંગાનો મેદાની પ્રદેશ, તથા આંદામાન અને નિકોબાર ટાપુઓનો સમાવેશ થાય છે.