બિહાર અને બંગાળની વિધાનસભા ચૂંટણી પહેલાં જ આરએસએસએ ભાજપ સાથે પોતાનું જોડાણ મજબૂત હોવાનો પુરાવો આપતાં તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યો છે. વડાપ્રધાન નરેન્દ્રમોદીની મુલાકાત વચ્ચે ભાજપ અને RSS વચ્ચે મતભેદો હોવાની અટકળો પર પૂર્ણવિરામ મૂકતાં સંઘે જણાવ્યું છે કે, ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સાથે અમારે કોઈ મતભેદ નથી. લોકો ખોટી અફવાઓ ફેલાવી રાજકીય લાભ લેવા માગે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સંઘના હેડક્વાર્ટરની મુલાકાત લેવા નાગપુર પહોંચ્યા છે.
વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમ વખત રવિવારે નાગપુર સ્થિત રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (RSS)ના હેડક્વાર્ટર પહોંચ્યા હતાં. આ મુલાકાત અંગે RSSના નેતાએ જણાવ્યું કે, જે લોકો સંઘ અને ભાજપ વિશે કશું જાણતા નથી. તેઓ અમારા બંનેની વચ્ચે મતભેદ હોવાની ખોટી અફવા ફેલાવે છે. તેઓ પોતાના રાજકીય લાભ માટે આમ કરી રહ્યા છે.
વડાપ્રધાન મોદીએ નાગપુર સ્થિત સંઘના હેડક્વાર્ટર સ્મૃતિ મંદિરમાં સંઘના સંસ્થાપક ડૉ. કેશવ બલિરામ હેડગેવારને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. RSS નેતાએ કહ્યું કે, વડાપ્રધાન મોદી પીએમ બન્યા બાદ પ્રથમ વખત અહીં આવ્યા છે. આ તેમની ઐતિહાસિક મુલાકાત છે. RSSના ૧૦૦ વર્ષના શાતાબ્દી ઉત્સવમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
સંઘ અનેક મુદ્દાઓ પર પોતાની ભલામણો રજૂ કરશે. આ મુદ્દાઓ અને ભલામણોને વડાપ્રધાન આગળ વધારશે. તેઓ અગાઉ પણ સંઘની વિચારધારાને આગળ ધપાવવા કામ કરી ચૂક્યા છે. સરકારે ભારતને એક મજબૂત અને વિકસિત દેશ બનાવવાનો છે.
વડાપ્રધાન મોદીની નાગપુર મુલાકાત દરમિયાન તેઓ સ્મૃતિ મંદિર (RSS), દીક્ષાભૂમિ, માધવ નેત્રાલય, અને સોલાર ઈન્ડસ્ટ્રીયલ એક્સપ્લોસિવ્સની મુલાકાત લેવાના છે. તદુપરાંત માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરનો શિલાન્યાસ કરશે. જ્યાં તેઓ જાહેર સભા સંબોધશે. વડાપ્રધાન સોલર ડિફેન્સ એન્ડ એરોસ્પેસ લિ.માં લાઈટરિંગ મ્યુનિશન ટેસ્ટિંગ રેન્જ અને UAV રનવેનું ઉદ્ધાટન પણ કરશે.