કોંગ્રેસના સિનિયર નેતા અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ સંસદમાં અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ૨૭ % ટેરિફનો મુદ્દો ઉછાળ્યો હતો અને ચીન દ્વારા ભારતની મોટી ભૂમિ હડપ કરી લેવાઈ છે અને સરકાર ચૂપ છે તેવા મુદ્દા ઊભા કર્યા હતા. તેમણે સરકારને સવાલ પૂછ્યો છે કે, તેઓ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફ પર શું પ્રતિક્રિયા આપવાના છે?
રાહુલ ગાંધીએ સરકારને પૂછ્યું છે કે, અમેરિકાએ ભારત પર ટેરિફ લાદ્યો છે. જેનાથી દેશની અર્થવ્યવસ્થા પર અસર થશે. સરકારે હવે જણાવવાનું રહેશે કે, ટેરિફ મુદ્દે અંતે તેઓ શું નિર્ણય લેવા જઈ રહ્યા છે? વધુમાં ચીન વિવાદ પર પણ એક્શન વિશે જણાવવા કહ્યું હતું. ચીનને ૪૪,૦૦૦ વર્ગ કિમી જમીન આપી દીધી હોવાનો આરોપ પણ એમણે લગાવ્યો હતો.
રાહુલ ગાંધીએ ટેરિફ ઉપરાંત ચીન વિવાદ પર આકરો રોષ ઠાલવ્યો હતો. તેમણે કહ્યું કે, ભારતની જમીન પર ચીન કેમ કબજો કરી રહ્યું છે. દેશની જમીન પરત લેવી જોઈએ. ચીન ગેરકાયદે ભારતની જમીન હડપી રહ્યું છે. તેના પર સરકાર શું કામ કરી રહી છે. વધુમાં ચીનના દૂતાવાસમાં વિદેશ સચિવ વિક્રમ મિસ્રીની મુલાકાત પર પણ આક્ષેપ કર્યો હતો કે, શું ચીનના દૂતાવાસમાં આપણા સૈનિકોની શહીદીની કેક કાપવા ગયા હતા વિક્રમ મિસ્રી ?
રાહુલ ગાંધીએ ચીનના કબજા મુદ્દે સવાલ કર્યો કે, તમે ૪૪,૦૦૦ વર્ગ કિમી જમીન ચીનને આપી દીધી. એક વખત ઇન્દિરા ગાંધીને કોઈએ પૂછ્યું હતું કે, વિદેશ નીતિ મુદ્દે તમારું વલણ લેફ્ટ હશે કે રાઇટ, પણ હવે તો ભાજપ અને આરએસએસ સીધે-સીધો (નતમસ્તક) ઝૂક્યો છે.
કેટલાક લોકો ચીન સાથે મળી આરોપ મૂકે છે; ભાજપનો વળતો જવાબ
દરમિયાનમાં લોકસભામાં રાહુલ ગાંધીએ ચીનના મુદ્દા પર સરકારને ઘેરી ત્યારે ભારે હોબાળો મચી ગયો હતો અને મંત્રી અનુરાગ ઠાકુરે તરત જ વળતો જવાબ આપીને કહ્યું હતું કે આપણી એક ઇંચ જમીન પણ કોઈના કબજામાં નથી પણ કેટલાક લોકો ચીન સાથે મળી જઈને ભારત પર આવા આરોપ લગાવે છે . કોંગ્રેસના જમાનામાં ચીન અંદર સુધી આવી ગયું હતું. તેના માટે કોંગ્રેસની સરકારો જ જવાબદાર છે .