ગુજરાતના દેવભૂમિ દ્વારકામાં આવેલા પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર ખાતે હજારો સંખ્યામાં દર્શનાર્થીઓ આવતી હોય છે. આ દરમિયાન આગામી ૬ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ ‘રામ નવમી ઉત્સવ’ને લઈને દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
દેવભૂમિ દ્વારકા ખાતે ૬ એપ્રિલ, ૨૦૨૫ ના રવિવારના રોજ રામ નવમીના દિવસે દ્વારકાધીશ મંદિર ખાતે ભગવાનના દર્શનનો સમય બદલાયો છે. જેમાં રામ નવમીના દિવસે સવારે ૦૬:૩૦ વાગ્યે શ્રીજીની મંગળા આરતી થશે. જ્યારે સવારના ૦૮:૦૦ વાગ્યાથી ૦૯:૦૦ વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. ત્યારબાદ ૦૯:૦૦ વાગ્યાથી ૧૦:૩૦ વાગ્યામાં શ્રૃંગાર દર્શન થશે. આ દરમિયાન ૧૦:૦૦ વાગ્યે શ્રૃંગાર આરતી થશે. આ પછી ૧૦:૩૦ વાગ્યાથી બપોરના ૧૨:૦૦ સુધી દર્શન બંધ રહેશે.
બપોરે ૧૨:૦૦ વાગ્યે ઉત્સવ આરતી થશે. જેમાં ઉત્સવ દર્શન બપોરના ૧૨:૦૦ વાગ્યથી ૦૧:૩૦ વાગ્યા સુધી કરી શકાશે. આ પછી બપોરે ૦૧:૩૦ વાગ્યાથી ૦૫:૦૦ વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. ત્યારબાદ સાંજના સમયે નિત્યક્રમ મુજબ મંદિરના દર્શન કરી શકાશે.