અમદાવાદ હાઇવે ઉપર દરગાહનું ડિમોલિશન કરાયું

હઝરત જલાલશાહ પીરની દરગાહ તોડી પાડવાની અરજી હાઇકોર્ટે ફગાવતા જ નેશનલ હાઇવે દ્વારા દબાણ હટાવાયું.

રાજકોટ -અમદાવાદ નેશનલ હાઇવે ઉપર આવેલ આઇઓસી પ્લાન્ટ સામે આવેલ હઝરત જલાલશાહ પીરની દરગાહની દરગાહ તોડી પાડવાના નિર્ણયને પડકારતી અરજી હાઇકોર્ટે ફગાવતા જ શુક્રવારે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ચાંપતા પોલીસ બંદોબસ્ત સાથે દરગાહના ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હાઈવેમાં નડતરરૂપ અંદાજે ૩૫ ફૂટ બાય ૩૫ ફૂટની જગ્યામાં આવેલ બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ અમદાવદ નેશનલ હાઇવે ઉપર આઇઓસી પ્લાન્ટ સામે આવેલ હઝરત જલાલશાહ પીરની દરગાહ સિક્સલેન હાઇવે નિર્માણમાં નડતર રૂપ હોવાથી તોડી પાડવા નિર્ણય કરાયો હતો જેમાં કટારીયા ઉસ્માનગની હાજીભાઇ ટ્રસ્ટ દ્વારા હાઇકોર્ટમાં અરજી દાખલ કરી ડિમોલિશન અટકાવવા માંગણી કરી આ દરગાહ એક સદીથી વધુ જૂની હોવાની સાથે જ ૧૯૬૩ થી વક્ફ મિલ્કત તરીકે નોંધાયેલ હોવાની સાથે જ આ દરગાહ હાઈવેને નડતરરૂપ ન હોવાની દલીલો કરી હતી. જો કે, હાઇકોર્ટના જસ્ટિસ અનિરુદ્ધા પી.માયીએ નોંધ્યું હતું કે, દરગાહની જમીન સરકારી પડતર તરીકે વર્ગીકૃત કરી હોવાનું અને હાઇવે માટે સંપાદિત થયેલ હોવાનું જણાવી ટ્રસ્ટની ડિમોલિશન રોકવાની અરજી ફગાવી દીધી હતી.

બીજી તરફ હાઇકોર્ટે હઝરત જલાલશાહ પીરની દરગાહ ટ્રસ્ટની અરજી ફગાવી દેતા જ નેશનલ હાઇવે ઓથોરિટીએ શુક્રવારે બપોરે એકાદ વાગ્યાના સુમારે નેશનલ હાઈવેની કામગીરીમાં નડતરરૂપ દરગાહનું બાંધકામ તોડી પાડવા કાર્યવાહી શરૂ કરી અંદાજે 200 ચોરસવારથી વધુ જગ્યા ઉપર બુલડોઝર ફેરવી દઈ દરગાહના રૂમના બાંધકામને તોડી પાડયું હતું. દબાણ હટાવવાની કામગીરી સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે રાજકોટ તાલુકા મામલતદાર કચેરીની ટીમ પણ સ્થળ ઉપર હાજર રહી હતી.

હાઇકોર્ટની ડબલ બેન્ચમા અરજી દાખલ થઇ હોવા છતાં ડિમોલિશન કરાયું : ટ્રસ્ટી

નેશનલ હાઇવે દ્વારા રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે ઉપર આવેલ હઝરત જલાલશાહ પીરની દરગાહનું ડિમોલિશન કરવામાં આવતા આ ડિમોલિશનનો દરગાહના ટ્રસ્ટીઓએ વિરોધ કર્યો હતો. દરગાહના અગ્રણી ઈક્બાલભાઈએ જણાવ્યું હતું કે, હાઇકોર્ટના ફેંસલા સામે અમે ડબલ બેન્ચમા અરજી કરી છે અને હાઇકોર્ટમાં અરજી સ્વીકારવામાં આવી હોવા છતાં પણ અધિકારીઓએ અમારું સાંભળ્યા વગર જ ડિમોલિશન કરી દરગાહના રૂમને તોડી પાડયા હોવાનો આરોપ દરગાહના ટ્રસ્ટીઓ દ્વારા લગાવવામાં આવ્યો હતો.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *