મ્યાનમારમાં આવેલા ૭.૭ અને ૭.૨ ની તીવ્રતાના ભૂકંપ બાદ અનેકવાર આફ્ટરશોક આવી ચૂક્યા છે ત્યારે હવે આજે શનિવારે પાપુઆ ન્યુ ગિનીમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાતા ડર ફેલાયો હતો.
યુરોપિયન-ભૂમધ્ય સિસ્મોલોજિકલ સેન્ટર (EMSC) એ જણાવ્યું હતું કે શનિવારે પાપુઆ ન્યુ ગિનીમાં ન્યુ બ્રિટન ક્ષેત્રના દરિયાકાંઠે ૭.૧ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. હાલમાં કોઈ પણ પ્રકારના નુકસાનની માહિતી નથી, પરંતુ ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો છે.
EMSC એ જણાવ્યું હતું કે ભૂકંપની ઊંડાઈ ૪૯ કિલોમીટર (૩૦.૪૫ માઇલ) હતી અને યુએસ સુનામી ચેતવણી કેન્દ્રે સુનામીની ચેતવણી જારી કરી છે. ગઈકાલે શુક્રવારે સાંજે પશ્ચિમ નેપાળમાં ત્રણ મિનિટના અંતરે બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, જાજરકોટ જિલ્લામાં રાત્રે ૦૮:૦૭ વાગ્યે ૫.૨ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, ત્યારબાદ તરત જ રાત્રે ૦૮:૧૦. વાગ્યે ૫.૫ ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો. બંને ભૂકંપનું કેન્દ્રબિંદુ પાનિક વિસ્તાર જાજરકોટ હતો, જે કાઠમંડુથી લગભગ ૫૨૫ કિલોમીટર પશ્ચિમમાં સ્થિત છે. નેપાળની સાથે ઉત્તર ભારતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
