અમેરિકા દ્વારા ચીન પર ટેરિફ વધારીને ૧૨૫ % કર્યા પછી બંને દેશો વચ્ચે વેપાર યુદ્ધ છેડાઈ ગયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર પહેલાથી જ ૨૦ % ટેરિફ લાદ્યો હતો. ગયા અઠવાડિયે તેમણે વધારાના ૩૪ % ટેરિફની જાહેરાત કરી. નવા ટેરિફ ૯ એપ્રિલથી અમલમાં આવવાના હતા, પણ એમ થાય તેના થોડા કલાકો પહેલા જ ટ્રમ્પે ૫૦ % ટેરિફ વધારવાની જાહેરાત કરી દીધી હતી.
એના જવાબમાં ચીને બુધવારે અમેરિકા પરનો ટેરિફ ૫૦ % થી વધારીને ૮૪ % કરી દીધો હતો. ચીનના આ પગલાંથી ટ્રમ્પે એ જ દિવસે ચીન પરનો ટેરિફ વધારીને ૧૨૫ % કરી દીધો હતો. ચીન સિવાય દુનિયાના તમામ દેશો પરના ટેરિફ-વધારાને ટ્રમ્પે ૯૦ દિવસ માટે મુલતવી રાખ્યા છે. એ દેશો પર પારસ્પરિક ટેરિફ ઘટાડીને એકસમાન ૧૦ % કરવામાં આવ્યો હતો, જેને લીધે ચીન સિવાયના ટેરિફના ભયનો સામનો કરી રહેલા દેશોએ રાહતનો શ્વાસ લીધો છે. ટ્રમ્પની આવી દાદાગીરી સામે ઝૂકી જવાને બદલે ચીને અંત સુધી લડી લેવાનો હુંકાર કર્યો છે.
- ટ્રમ્પે કૂણું વલણ અપનાવતા બુધવારના ટ્રેડિંગ સત્રમાં દુનિયાભરના શેરમાર્કેટોમાં ઉછાળો જોવા મળ્યો હતો.
- અમેરિકન શેરબજારમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો હતો. યુએસ શેરબજાર સૂચકાંકો S&P-૫૦૦ માં ૯.૫ %, Nasdaq માં ૧૨.૨ % અને Dow Jones માં ૭.૯ % નો ઉછાળો જોવા મળ્યો હતો.
- એશિયન શેરબજારોની વાત કરીએ તો જાપાનનો નિક્કી-૨૨૫ ૮.૬ %, દક્ષિણ કોરિયાનો કોસ્પી ૪.૮ %, તાઈવાનનો તાઈએક્સ ૯.૩ % અને ઓસ્ટ્રેલિયાનો ASX-૨૦૦ ૫ % વધ્યો હતો.
- હોંગકોંગ અને ચીનમાં શેરબજારના સૂચકાંકો પણ વધ્યા હતા. હેંગ સેંગમાં ૩ % અને શાંઘાઈ કમ્પોઝિટમાં ૧.૩ % નો વધારો થયો હતો.
ખતરો હજુ ટળ્યો નથી: બજાર નિષ્ણાતો કહે છે કે ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલી રાહતથી ‘ભય’ની ભાવના ‘ઉત્સાહ’માં બદલાઈ ગઈ છે. જોકે, ખતરો હજુ ટળ્યો નથી કારણ કે વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે.
ટ્રમ્પની દાદાગીરી પર ચીને તેવર દેખાડ્યા: ટ્રમ્પની દાદાગીરીનો જવાબ આપતાં ચીને કહ્યું હતું કે, તે ‘ચુપચાપ’ બેસશે નહીં. ચીનના નાગરિકોના અધિકારો અને હિતોનું ઉલ્લંઘન કરવામાં આવશે, એમાં અવરોધ ઊભો કરવામાં આવશે તો ચીનની સરકાર ચૂપચાપ બેસી રહેશે નહીં.
ગયા વર્ષે અમેરિકા અને ચીન વચ્ચે ૫૯૫ બિલિયન ડોલરનો વેપાર થયો હતો. અમેરિકાએ ચીન પાસેથી ૪૪૦ અબજ ડોલરનો માલ આયાત કર્યો હતો, જ્યારે ચીને અમેરિકા પાસેથી ૧૪૫ અબજ ડોલરનો માલ આયાત કર્યો. આમ, આ વ્યાપારમાં ચીનને ૨૯૫ બિલિયન ડોલરનો ફાયદો થયો હતો અને અમેરિકા ખાધમાં રહ્યું હતું. ૨૯૫ બિલિયન ડોલરની ખાધ અમેરિકાના અર્થતંત્રના માત્ર ૧ % જેટલી છે, છતાં નોંધપાત્ર તો ખરી.