ચૈત્ર નવરાત્રિ 13 એપ્રિલથી શરૂ થશે, જે 21 એપ્રિલ રામનોમ સુધી ચાલશે. આ વખતે ભારતી, હર્ષ, સર્વાર્થસિદ્ધિ અને અમૃતસિદ્ધિયોગમાં નવરાત્રિની શરૂઆત થઇ રહી છે. આ શુભ યોગમાં શક્તિ પર્વ શરૂ થવાથી દેવીપૂજા આરાધનાથી મળતું શુભ ફળ વધી જશે. 13 એપ્રિલ મંગળવારના રોજ સ્વયં સિદ્ધ મુહૂર્ત રહેશે.
નોરતાંમાં પૂજાનું ફળ અનેક ગણું વધી જાય છેઃ-
નવરાત્રિમાં દેવી દુર્ગા પૃથ્વી ઉપર આવે છે. અહીં તેઓ નવ દિવસ સુધી વાસ કરીને ભક્તોની સાધનાથી પ્રસન્ન થઇને આશીર્વાદ આપે છે. નવરાત્રિમાં દેવી દુર્ગાની સાધના અને પૂજા-પાઠ કરવાથી સામાન્ય દિવસોની સરખામણીમાં પૂજાનું અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે. માન્યતા છે કે ભગવાન રામજીએ પણ લંકામાં પ્રવેશ કરતાં પહેલાં રાવણ સામે યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવા માટે દેવીની સાધના કરી હતી.
જ્યારે પણ માતા ઘોડા ઉપર સવાર થઈને આવે છે ત્યારે યુદ્ધની શક્યતાઓ વધી જાય છેઃ-
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે, આ વખતે ચૈત્ર નવરાત્રિ મંગળવારથી શરૂ થશે, જેને કારણે માતા ઘોડા ઉપર સવાર થઇને આવશે. આ પહેલાં શારદીય નોરતાંમાં માતા ઘોડા ઉપર સવાર થઇને આવ્યાં હતાં. દેવી માતા જ્યારે પણ ઘોડા ઉપર આવે છે, ત્યારે યુદ્ધની શક્યતાઓ વધી જાય છે, સાથે જ શાસન સત્તાધારી તથા શાસકો માટે ઊથલપાથલની સ્થિતિ અને પરિવર્તનના યોગ બને છે. એકમ તિથિએ કળશ સ્થાપના સાથે જ નોરતાંની શરૂઆત થશે. ઘટ સ્થાપના કરીને ભગવાન ગણેશની વંદના સાથે માતા શૈલપુત્રીની પૂજા, આરતી કરવામાં આવે છે.
વર્ષમાં 4 નવરાત્રિ આવે છેઃ-
નોરતાં 21 એપ્રિલ રામનોમના દિવસે વણજોયા મુહૂર્તમાં પૂર્ણ થશે. ઉલ્લેખનીય છે કે વર્ષમાં કુલ ચારવાર નવરાત્રિ ઊજવવામાં આવે છે, જેમાં ચૈત્ર અને શારદીય નોરતાં મુખ્ય માનવામાં આવે છે. ત્યાં જ, મહા અને અષાઢમાં ગુપ્ત નોરતાં હોય છે. નવરાત્રિના પહેલા દિવસે કળશ સ્થાપના કરવામા આવે છે અને આ દિવસોમા માતા દુર્ગાનાં નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.
દેવીનાં આ નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છેઃ-
13 એપ્રિલઃ એકમ- માતા શૈલપુત્રીની પૂજા અને ઘટ સ્થાપના
14 એપ્રિલઃ બીજ- માતા બ્રહ્મચારિણી પૂજા
15 એપ્રિલઃ તીજ- માતા ચંદ્રઘંટા પૂજા
16 એપ્રિલઃ ચોથ- માતા કુષ્માંડા પૂજા
17 એપ્રિલઃ પાંચમ- માતા સ્કંદમાતા પૂજા
18 એપ્રિલઃ છઠ્ઠ- માતા કાત્યાયની પૂજા
19 એપ્રિલઃ સાતમ- માતા કાલરાત્રિ પૂજા
20 એપ્રિલઃ આઠમ- માતા મહાગૌરી
21 એપ્રિલઃ રામનોમ- માતા સિદ્ધિદાત્રી
22 એપ્રિલઃ દશમ- નવરાત્રિ પારણાં