ગુજરાતના જાણીતા કથક નૃત્યાંગના કુમુદિની લાખિયાનું ૯૫ વર્ષની વયે નિધન, તેમણે અમદાવાદમાં કદમ્બ સ્કૂલ ઓફ ડાન્સ એન્ડ મ્યૂઝિકની સ્થાપના કરી હતી.
ગુજરાતના જાણીતા કથક નૃત્યાંગના કુમુદિની લાખિયાનું નિધન થયું છે. ૯૫ વર્ષની વયે કુમુદિની લાખિયાએ અંતિમ શ્વાસ લીધા છે. જેમને પદ્મ વિભૂષણથી સન્માનિત પણ કરાયા હતા. જેમનો જન્મ ૧૭ મે ૧૯૩૦ ના રોજ અમદાવાદમાં થયો હતો
કુમુદિની લાખિયાએ અમદાવાદમાં કદમ્બ સ્કૂલ ઓફ ડાન્સ એન્ડ મ્યૂઝિકની સ્થાપના કરી હતી. તેઓ એક સફળ ભારતીય કથક નૃત્યાંગના અને કોરિયોગ્રાફર હતા. ગોપી કૃષ્ણ સાથે હિન્દી ફિલ્મ ઉમરાવ જાનમાં કોરિયોગ્રાફી તરીકે કામ કર્યું હતું. કથક નૃત્યકારો અદિતી મંગલદાસ, વૈશાલી ત્રિવેદી, સંધ્યા દેસાઈ, દક્ષા શેઠ, મૌલિક શાહ, ઇશિરા પરીખ, પ્રશાંત શાહ, ઊર્જા ઠાકોર અને પારુલ શાહ સહિતના કલાકારોએ તેમની પાસેથી નૃત્યનું જ્ઞાન મેળવેલું છે.
જેમને ૧૯૮૭ માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી તેમજ ૨૦૧૦ માં પદ્મ ભૂષણ તો ૧૯૮૨ માં સંગીત નાટક અકાદમી દ્વારા સંગીત નાટક અકાદમી પુરસ્કાર તેમજ વર્ષ ૨૦૦૨-૦૩ માટે કાલિદાસ સન્માન અને ૨૦૧૧માં સંગીત નાટક અકાદમી દ્વારા સંગીત નાટક અકાદમી ટાગોર રત્ન આપવામાં આવેલું છે. કેરળ સરકાર દ્વારા ગુરુ ગોપીનાથ દેસીયા નાટ્ય પુરસ્કારમ (૨૦૨૧) આપવામાં આવેલો તો કલા ક્ષેત્રમાં યોગદાન બદલ વર્ષ ૨૦૨૫ માટે પદ્મ વિભૂષણથી પણ સન્માનિત કરવામાં આવેલા છે.
