ઘણા લોકો ઉનાળાની ગરમીમાં બરફનું પાણી પીવાનું પસંદ કરે છે. જોકે બરફનું પાણી પીવાથી કઈ સમસ્યાઓ થઈ શકે છે?
ઉનાળાની ઋતુ શરૂ થતા જ લોકો ઠંડી વસ્તુઓનું સેવન કરવા લાગે છે. કાળઝાળ તડકામાંથી ઘરે પાછા આવ્યા બાદ લોકો અલગ-અલગ પ્રકારના ડ્રિંક પીવે છે, જેમાં ઠંડું પાણી, લસ્સી, છાશ, જ્યુસ, નાળિયેર પાણી વેગેરે સામેલ છે.
ઉનાળામાં તરસ છીપાવવા માટે લોકો ફ્રિજમાંથી ઠંડુ પાણી પીવાનું પસંદ કરે છે. ઠંડુ પાણી પીવાથી શરીરને તરત જ ઠંડક મળે છે અને શરીરને તાજગી મળે છે. ઉનાળામાં શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે દિવસમાં ઓછામાં ઓછું ૮-૧૦ ગ્લાસ પાણી પીવું જોઇએ. પરંતુ ઘણા લોકો ઉનાળાની ઋતુમાં બરફનું પાણી પીવાનું પસંદ કરે છે. ડાઇટ્રીફિટના ડાયેટિશિયન અબરના મેથ્યુવને જણાવ્યું હતું કે ઉનાળામાં બરફનું પાણી પીવાથી કઈ સમસ્યાઓ થઈ શકે છે?
ડાયેટિશિયન અબરના મેથ્યુવનના જણાવ્યા અનુસાર કેટલાક લોકો ઘણીવાર બરફનું પાણી પીવે છે. કેટલાક લોકો ફ્રિજમાંથી ઠંડુ પાણી પીવાનું શરૂ કરી દે છે અથવા પાણીમાં બરફ નાખીને પીવે છે. ઉનાળામાં ઠંડુ પાણી પીવું સારું લાગે છે, પરંતુ તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોઈ શકે છે. આના કારણે ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.
પાચનને નુકસાન
બરફનું પાણી પીવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. ખરેખર તો ઠંડા પાણીને પચવામાં ઘણો સમય લાગે છે. તે ખોરાકની પાચન પ્રક્રિયામાં અવરોધ ઊભો કરે છે. જો તમે ભોજન કરતી વખતે ઠંડા પાણીનું સેવન કરો છો, તો શરીર તે ઉર્જાનો ઉપયોગ ખોરાકને પચાવવાને બદલે પાણીનું તાપમાન સામાન્ય કરવા માટે કરે છે. માટે તમારે ભોજન કરતી વખતે ક્યારેય ઠંડુ પાણી ન પીવું જોઇએ.
ગળાની સમસ્યાઓ
બરફનું પાણી પીવાથી શરીરમાં ખૂબ જ લાળ ઉત્પન્ન થાય છે. જેનાથી ગળામાં દુખાવો, કફ, શરદી અને ગળામાં સોજા જેવી સમસ્યાઓ થઈ શકે છે. જે લોકોને શ્વસન સંબંધી સમસ્યા હોય તેમણે બરફનું પાણી પીવાનું ટાળવું જોઈએ.
માથાનો દુખાવો
તડકામાંથી આવ્યા બાદ બરફનું પાણી પીવાથી માથાનો દુખાવો થઈ શકે છે. ઠંડુ પાણી પીવાથી કરોડરજ્જુની નસો ઠંડી પડે છે, જે મગજને અસર કરે છે. તેનાથી માથાનો દુખાવો થાય છે. સાઇનસની સમસ્યાથી પીડાતા લોકોએ બરફનું પાણી ક્યારેય પીવું ન જોઇએ. જેનાથી તેમની હાલત ગંભીર થઇ શકે છે.
પાઇલ્સ
જો તમે લાંબા સમય સુધી બરફનું પાણી પીતા રહો છો તો તે પાઇલ્સનું કારણ બની શકે છે. અતિશય ઠંડીમાં વસ્તુઓ થીજી જવાનું શરૂ કરે છે. એ જ રીતે બરફનું પાણી પીવાથી મળ કઠણ બની જાય છે, જે પાઇલ્સનું કારણ બની શકે છે. વધુ પડતું ઠંડુ પાણી પીવાથી આંતરડામાં ઘા પણ થઈ શકે છે. આ કારણે તમને મળમાં લોહી અને પેટમાં દુખાવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
પાણીની ઉણપ
બરફનું પાણી પીવાથી ડિહાઇડ્રેશન થઈ શકે છે. ખરેખર તો બરફનું પાણી તરસ છીપાવે છે. આવી સ્થિતિમાં થોડું પાણી પીધા પછી પણ તમને પાણી પીવાનું મન નહીં થાય. તેનાથી તમે ઓછું પાણી પીશો, જેનાથી શરીરમાં પાણીની ઉણપ થઈ શકે છે.