સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડીઓ જે હોટલમાં રોકાયા છે ત્યાં આગ લાગી હતી. જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
સનરાઇઝર્સ હૈદરાબાદનું આઈપીએલ ૨૦૨૫ માં અત્યાર સુધી નિરાશાજનક પ્રદર્શન રહ્યું છે. ટીમનો આગામી મુકાબલો ૧૭ એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ સામે છે. આ દરમિયાન એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. એક અહેવાલ મુજબ સોમવારે સવારે હૈદરાબાદની ટીમ હોટલમાં આગ લાગી હતી. જોકે, મહત્વની વાત એ છે કે બધા ખેલાડીઓ સુરક્ષિત છે.
સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડીઓ હૈદરાબાદના બંજારા હિલ્સમાં રોકાયા છે. અહીં પાર્ક હયાત હોટેલના એક માળે આગ લાગી હતી. જોકે, ફાયર બ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ પછી આગ પર કાબુ મેળવાયો. આગને કારણે હોટલ અને તેની આસપાસના વિસ્તારોમાં ધુમાડો ફેલાઈ ગયો.

એક અહેવાલ મુજબ, આગ લાગ્યા બાદ સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડીઓને બીજી હોટલમાં ખસેડવામાં આવ્યા હતા. આગ લાગ્યા પછી, હોટલની અંદરના લોકો બહાર દોડી ગયા. મહત્વની વાત એ હતી કે ફાયર બ્રિગેડના આગમન પછી મામલો સંભાળી લેવામાં આવ્યો હતો.
આ સિઝનમાં હૈદરાબાદનું પ્રદર્શન અત્યાર સુધી નિરાશાજનક રહ્યું છે. ટીમે ૬ મેચ રમી છે અને માત્ર ૨ જીતી છે. જ્યારે ૪ મેચમાં તેમને હારનો સામનો કરવો પડ્યો છે. હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સને હરાવ્યા હતા. જ્યારે તેમને લખનૌ, દિલ્હી, કોલકાતા અને ગુજરાત સામે હારનો સામનો કરવો પડ્યો. જોકે, ટીમે છેલ્લી મેચમાં શાનદાર વાપસી કરી હતી. તેણે પંજાબ કિંગ્સને હરાવ્યું. આ મેચમાં અભિષેક શર્માએ સદી ફટકારી હતી.