‘શહેરની અંદર હેલ્મેટનો કાયદો રદ થવો જોઈએ’
ગુજરાત સરકાર દ્વારા ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ પહેરવો ફરજિયાત પહેરવાનો આદેશ અપાયો છે. પરંતુ સુરતથી ભાજપના પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ રાજ્ય સરકાર સામે એવી માંગ કરી છે જે ચોંકાવનારી છે. તેમણે રાજ્યના શહેરી વિસ્તારોમાં હેલ્મેટ ફરજિયાત બનાવનાર કાયદો તાત્કાલિક અસરથી રદ કરવા માંગ કરી છે.
ભાજપના પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ મુખ્યમંત્રીને પત્ર લખીને માંગ કરી છે કે, ‘જે હેલ્મેટ પ્રજાને શહેર વિસ્તારમાં આરોગ્યને માટે જોખમ રૂપ છે. કારણ કે, શહેરમાં બપોરના સમયમાં ૪૦-૪૫ ડીગ્રીમાં ૩૦૦ થી ૪૦૦ મીટરના સિગ્નલ પાસ કરવા પડે અને આ ગરમીમાં પ્રજા માટે જોખમ છે. કોઈપણ મગજના ડોક્ટરોનો અભિપ્રાય લો તો કહેશે શહેર વિસ્તારમાં હેલ્મેટ જોખમ છે. પ્રજાની સુરક્ષાની વાતો કરનારા વ્યક્તિ એ.સી. ચેમ્બરમાં બેસીને નિર્ણય લે છે, એકવાર જાત અનુભવ કરીને ગરમીમાં શહેરમાં ફરે તો ખ્યાલ આવે.’
તેમણે પત્રમાં લખ્યું કે, ‘પ્રજાને માટે હેલ્મેટ, ખાડાઓ, રસ્તાની સાઈડ પર કચરાના ઢગલાઓ અને ગટરનો ખ્યાલ આવે કે મધ્યમ અને ગરીબ વર્ગને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પ્રજા હેલ્મેટમાં લૂંટાય છે અને ગરમીમાં પણ બીમારીનો ભોગ બને છે. જેથી મારી અપીલ છે કે આપ આ નિર્ણય માટે ફેરવિચાર કરીને શહેર વિસ્તારમાં હેલ્મેટમાંથી મુક્તિ આપો.’
બાઈક ચલાવતી વખતે હેલ્મેટ પહેર્યું હોય તો, તડકો, પવન અને ધૂળ સામે રક્ષણ આપે છે. લાંબી રાઈડ પર હેલ્મેટ સૂર્ય, વરસાદ અને શરદી જેવી કઠોર હવામાન પરિસ્થિતિઓથી તમારા ચહેરાને સુરક્ષિત કરી શકે છે. આ ઉપરાંત હેલ્મેટ પહેરવાથી ધોમધખતી ગરમીમાં બાઈક ચાલકો ઉપર પર પડતા સૂર્યના આકરા કિરણોથી પણ રક્ષણ મળે છે. અને લૂ પણ નથી લાગતી, જેના કારણે ડિહાઈડ્રેશન કે ચક્કર આવવા જેવી સ્થિતિ ટાળી શકાય છે. એકંદર હેલ્મેટ બાઈક ચાલકને રક્ષણ આપે છે.
હેલ્મેટ પહેરવાનો કાયદો રદ કરવાને બદલે પૂર્વ ધારાસભ્યએ બપોરના આકરા તાપ સમયે શહેના અતિ વ્યસ્ત રહેતા રસ્તાઓ પરની સગ્નલોને બોપરે ૦૧:૦૦ થી ૦૪:૦૦ વાગ્યા સુધી બંધ રાખવાનું સુચન પણ કરી શકે, અથવા તો આવા ચાર રસ્તા પર ગ્રીન નેટ બાંધવાનું સુચન પણ કરી શકાય.